જી-૨૦ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટીંગના ત્રીજા દિવસે આજે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાં ધોરડોના સફેદ રણમાં પ્રભાતનાં આહલાદક વાતાવરણમાં યોજાયેલ આ યોગ સેશનમાં જી – ૨૦ દેશોના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. સૂર્યોદય સાથે યોગ સેશનની શરૂઆત થઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિષ્ણાત યોગાચાર્ય અને યોગ શિક્ષકોની ટીમ દ્વારા સૂક્ષ્મ વ્યાયામ, યોગાસનો અને પ્રાણાયામનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વિદેશી પ્રતિનિધિઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગમય બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રસ્તાવ બાદ યુ.એન. દ્વારા ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ જાહેર કર્યો છે અને વિશ્વભરના લોકો સર્વાંગી વિકાસ માટે યોગને અપનાવતા થયા છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ યોગ નિદર્શન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ જિલ્લા યોગ કોઓર્ડીનેટર સિનિયર યોગ કોચ વિજયકુમાર શેઠ, ભુજના યોગાચાર્ય પ્રેમમણીજી, વર્ષાબેન પટેલ, ગીતાબેન નાયર, હિતેશ કપૂર દ્વારા કરવામાં આવ્યું હતું.