અમદાવાદમાં ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી અને તુકલના વેચાણ અને ઉપયોગ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના સરખેજમાં પોલીસે બાતમીને આધારે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં એક વેપારીની ધરપકડ કરી છે. વેપારી પાસેથી બે લાખની કિંમતની 2520 રીલ ચાઈનીઝ દોરી કબજે કરવામાં આવી છે.
ઉત્તરાયણનો પર્વ નજીક હોવાથી માર્કેટમાં પતંગ દોરીની ધૂમ ખરીદી થઈ રહી છે. આ દરમિયાન રાત્રે પેટ્રોલિંગ કરી રહેલ પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે સરખેજમાં ચાઈનીઝ દોરીનો એક વેપારી દ્વારા વેપાર કરવામાં આવી રહ્યો છે. પોલીસે અડધી રાત્રે બાતમીના સ્થળે જઈને દરોડો પાડતાં અબ્દુલગની શેખ નામના વ્યક્તિ પાસેથી એક ગોડાઉન ભરાય એટલી સંખ્યામાં ચાઈનીઝ દોરીના રીલ મળી આવ્યા હતાં. પોલીસે અબ્દુલગની શેખ પાસેથી 2520 રીલ દોરી જેની કિંમત 2 લાખ 54 હજાર થાય છે તે કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે વધુ એક આરોપી જે કડીનો છે અને તેનું નામ ભગવાનભાઈ છે તે હાલમાં ફરાર થઈ ગયો છે. પોલીસે તેને પકડવા માટે પણ પ્રયાસો હાથ ધર્યાં છે.