બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આજે દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ ખાતે રાજ્યના 11,300 વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. રાજ્યમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં વકીલોના શપથગ્રહણ સમારોહ યોજાઇ રહ્યો છે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કાયદા મંત્રી ઋષિકેશભાઇ પટેલ, સોલિસિટર જનરલ તુષારભાઇ મહેતા, એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદી, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન મિશ્રા તેમજ રાજ્યના 200થી વધુ બાર એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. અગાઉ આ કાર્યક્રમ 30 ડિસેમ્બર, 2024ના રોજ અમદાવાદ સાયન્સ સિટી ઓડિટોરિયમ ખાતે યોજાવાનો હતો પરંતુ તે સમયે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન થતા દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત થતા આ કાર્યક્રમ પાછો ઠેલાયો હતો.તા 9મી માર્ચે એકસાથે 11 હજારથી વધુ વકીલોના સામૂહિક શપથ ગ્રહણ સમારોહની અનોખી ઘટનાને લઈ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના વકીલઆલમ અને ન્યાયતંત્રમાં ભારે ઉત્સાહની લાગણી છે. એકસાથે ત્રણ અનોખા વર્લ્ડ રેકોર્ડ અંગે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેને જણાવ્યું કે અડાલજમાં દાદા ભગવાન કન્વેશન સેન્ટર ખાતે આજે બપોરે 1.00 વાગ્યે દેશના ગૃહપ્રધાન અમિતશાહના મુખ્ય મહેમાન પદે એક સાથે ગુજરાતના નવા નોંધાયેલા 11 હજારથી વધુ વકીલોને તેમના વ્યવસાયને લઈ સામૂહિક શપથ ગ્રહણ કરાવવામાં આવશે.
