- ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજિત શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં શહેરનાં સ્મૃતિ મંદિર ખાતે વિશેષ આયોજન
- વાંસની ૧૬ પ્રાકૃતિક કુટીરો બનાવવામાં આવી
- ચાર વેદ ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ તથા ૧૧ શાખાઓ, શ્રી સર્વમંગલ સ્ત્રોત તેમજ રામાયણ આદિ ગ્રંથોને બિરાજમાન કરવામાં આવ્યા હતા
ભુજ :
ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં સદગુરુ મહંત સ્વામી ધર્મનંદદાસજીની આજ્ઞાથી સ્મૃતિ મંદિર ખાતે ચતુર્વેદ પારાયણ તથા સપ્ત દિવસીય શ્રી હરિયાગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યજ્ઞશાળામાં યજમાન અને ૧૧ કર્મકાંડી ભૂદેવો દ્વારા હવન દરમિયાન વિવિધ મંત્રોનાં જાપનું પુરશ્ચરણ કરવામાં આવશે.
આજે ચતુર્વેદ પારાયણનાં પ્રથમ દિવસે સવારે નિજ મંદિરે યજ્ઞશાળાનાં ઠાકોરજી, શ્રી ઠાકોરજી, ૪ વેદ, ૧૧ શાખા, શ્રી સર્વમંગલ સ્ત્રોત, તેમજ રામાયણ આદિ ગ્રંથોનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યુ હતું. બાદમાં વેદ પાઠી બ્રાહ્મણો તથા સંતો વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે શહેરનાં સ્મૃતિ મંદિરે ખાતે પહોંચ્યા હતાં.
અહીં સ્મૃતિ મંદિરમાં સંતોની દેખરેખ હેઠળ વિધિપૂર્વક ઠાકોરજીની સ્થાપના કરવામાં આવી હતી. બાદમાં વેદ અને શાખાના ગ્રંથોનું પણ પૂજન તથા વેદપાઠી બ્રાહ્મણોનું પૂજન કરી વિધિવત રીતે વેદ પારાયણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ચતુર્વેદ પારાયણ માટે સ્મૃતિ મંદિર પરિસરમાં વાંસની સુંદર ૧૬ પ્રાકૃતિક કુટીરો બનાવવામાં આવી છે. જેમાં ચાર વેદ ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ તથા ૧૧ શાખાઓ, શ્રી સર્વમંગલ સ્ત્રોત તેમજ રામાયણ આદિ ગ્રંથોને બિરાજમાન કરવામાં આવ્યા હતા. આગામી તા. ૨૫ એપ્રિલ સુધી ઋગ્વેદ સાકલ શાખાનાં મંત્ર, ઋગ્વેદ બાસ્કલ શાખાની ઋચાઓ સહિતના વિવિધ મંત્રોના જાપ, સુંદરકાંડનાં પાઠ સહિતનું પુરુશ્ચરણ કરવામાં આવશે.
આ તકે સપ્ત દિવસીય શ્રી હરિયાગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે સંતોના વરદ હસ્તે યજ્ઞશાળામાં શ્રી હરિયાગ યજ્ઞનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. યજ્ઞશાળામાં યજમાન અને ૧૧ કર્મકાંડી ભૂદેવો દ્વારા પૂજન શરૂ કરવામાં આવ્યું હતું. ચતુર્વેદ પારાયણ તથા સપ્ત દિવસીય શ્રી હરિયાગનાં દર્શનનો મોટી સંખ્યામાં ભકતો લાભ લઇ રહ્યા છે.