અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ઉત્તરપ્રદેશ સરકારને મહત્ત્વપૂર્ણ આદેશ આપતા કહ્યું કે કથિત દુષ્કર્મ પીડિતા પાસેથી વળતરની રકમ પાછી લઈ લેવામાં આવે જેણે ટ્રાયલ દરમિયાન કાર્યવાહીને સમર્થન ન આપીને પોતાના નિવેદનથી ફરી ગઈ હતી.
હાઈકોર્ટે તેના વરિષ્ઠ રજિસ્ટ્રારને આદેશની નકલ મુખ્ય સચિવને જરૂરી પાલન માટે મોકલવાનો નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ બ્રિજરાજ સિંહની સિંગલ બેંચે ઉન્નાવના જીતન લોધ ઉર્ફે જીતેન્દ્રની જામીન અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો, જે દુષ્કર્મ અને જાતીય અપરાધોથી બાળકોની સુરક્ષા (POCSO) એક્ટ હેઠળના આરોપમાં જેલમાં બંધ છે.
જસ્ટિસ સિંહે કહ્યું “મારા મતે જો પીડિતા તેના નિવેદનથી ફરી જાય અને ફરિયાદ પક્ષને બિલકુલ સમર્થન ન આપે અને તેના માટે જો પીડિતાને વળતર પણ ચૂકાવાયો હોય તો તે રકમ વસૂલ કરવામાં આવે. જો પીડિતા ટ્રાયલ દરમિયાન આરોપને નકારે છે તો તેના માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વળતરની રકમ તેની પાસે જ રાખવાનું કોઈ વ્યાજબી કારણ જણાતું નથી.