હિંદુ કેલેન્ડર મુજબ નવરાત્રિનો તહેવાર વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. જેમાં મુખ્ય બે નવરાત્રિ ચૈત્રી અને શારદીય નવરાત્રી છે. આ વખતે ચૈત્રી નવરાત્રિ 22મી માર્ચથી શરૂ થઈ રહી છે અને 30મી માર્ચે પૂરી થશે. હિંદુ ધર્મમાં નવરાત્રિના તહેવારની ખૂબ જ ખાસ રીતે ઉજવણી કરવામાં આવે છે. આ નવ દિવસો દરમિયાન માં દુર્ગાના નવ અલગ-અલગ રૂપની ભવ્ય રીતે પૂજા કરવામાં આવે છે.
નવરાત્રિના પહેલા દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિના પ્રથમ દિવસનું ઘણું મહત્વ છે. આ દિવસે ઘટસ્થાપન એટલે કે કલશ સ્થાપિત કરવાનું વિશેષ મહત્વ છે. પૌરાણિક કથાઓ અનુસાર કલશને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે નવરાત્રિના દિવસે દેવી દુર્ગાની પૂજા પહેલા કળશની સ્થાપના કરવામાં આવે છે.