ગોપીપુરામાં સહસ્ત્રફણા જૈન દેરાસરની ગલીમાં સુભાષ ચોક પાસે આવેલા પાર્શ્વનાથ બિલ્ડિંગમાં રહેતા મહેન્દ્રભાઇ કાંતિલાલ પારેખ (ઉં.વ. 68, મૂળ ગોંડલ, રાજકોટ) નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. ગત તા. 7મીએ તેઓ પત્ની પ્રમિલાબેન સાથે નવસારી કુળદેવીના દર્શનાર્થે ગયા હતા. સાંજને તેઓ બસમાં પરત ફર્યા હતા. ઉધના દરવાજા ખાતે બસમાંથી ઊતરી રિક્ષા માટે ઊભા રહ્યા હતા. અહીં એક રિક્ષા તેમના પાસે ઊભી રહી ગઇ હતી. રિક્ષામાં પહેલેથી જ 3 મુસાફરો બેસેલા હતા. રિક્ષાચાલકે બે મુસાફરોને આગળ બેસાડી દીધા હતા.
મહેન્દ્રભાઇ અને તેમના પત્ની રિક્ષામાં બેસી ગયા હતા. ઉધના દરવાજાથી નવસારી બજાર થઇ ડીકેએમ સર્કલ તરફ જવાના રસ્તા પર રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેસેલા ગઠિયાએ મહેન્દ્રભાઇ અને પ્રેમિલાબેનને લાફા મારી દીધા હતા. ત્યારબાદ બૂમાબૂમ કરશો તો ગળું દબાવી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બદમાશોએ મહેન્દ્રભાઇ સાથે ઝઘડો કરી ધાકધમકી આપી હતી. મહેન્દ્રભાઇના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 12,500 અને મોબાઇલ છીનવી લીધો હતો. મોબાઇલ સાદો કીપેડવાળો હોય તેઓએ મોબાઇલ રિક્ષામાં ફેંકી દેતા તેનો કાચ તૂટી ગયા હતા. ત્યારબાદ પ્રમિલાબેનને ફરી લાફા મારી પાકીટ છીનવી લીધું હતું. પાકિટમાંથી કશું નહિ મળતા પરત કરી દેવાયું હતું. ત્યારબાદ અવાવરું જગ્યાએ પ્રમિલાબેનને ઉતારી દીધા હતા. મહેન્દ્રભાઇને ફરી લાફા મારી ધાકધમકી આપી રિક્ષાગેંગ ભાગી છૂટી હતી. બનાવ અંગે મહેન્દ્રભાઇ પારેખે ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસે ગુનો નોંધી રિક્ષાગેંગને ભેસ્તાન આવાસથી પકડી પાડી હોવાનું જાણવા મળે છે.