નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ની છ સભ્યોની ખાસ બેન્ચે કેન્દ્રના મહત્વાકાંક્ષી ગ્રેટ નિકોબાર મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટના વિરોધ વચ્ચે એનજીટીએ જણાવ્યું છે કે પ્રોજેક્ટની પર્યાવરણીય મંજૂરી માટે યોગ્ય સલામતીના પગલાં લેવામાં આવ્યા છે. આ સુનાવણી દરમિયાન બેન્ચે પ્રોજેક્ટના વ્યૂહાત્મક મહત્વનો પણ ઉલ્લેખ કર્યો. એનજીટી દ્વારા પ્રોજેક્ટની પર્યાવરણીય મંજૂરી પર પુનર્વિચાર કરતા પૂર્વે હાઇ લેવલ સમિતિ દ્વારા તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 80,000 કરોડનો છે.એનજીટીના પ્રમુખ ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવે પણ આદેશનો ટૂંકો અંશ વાંચ્યો હતો. તેમણે કહ્યું, અમે નિષ્કર્ષ પર આવ્યા છીએ કે પર્યાવરણીય મંજૂરીની શરતો પૂરતા સલામતીના પગલાં પૂરા પાડે છે અને ટ્રિબ્યુનલે પહેલા કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. ટ્રિબ્યુનલે ઉઠાવેલા બાકીના મુદ્દાઓની હાઇ લેવલ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી છે. પ્રોજેક્ટના વ્યૂહાત્મક મહત્વ અને અન્ય સંબંધિત વિચારણાઓને ધ્યાનમાં રાખીને, અમને પ્રોજેક્ટને અટકાવવા માટે કોઈ યોગ્ય કારણ મળતું નથી. તેથી એજન્સીઓને શરતોનું સંપૂર્ણ અને કડક પાલન કરવાનો નિર્દેશ આપીને આ બાબતનો નિકાલ કરવામાં આવ્યો છે.ભારત સરકારે ગ્રેટ નિકોબાર ટાપુઓ પર રૂપિયા 80,000 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ (ICTT), ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ટાઉનશીપ અને ગેસ-સોલાર પાવર પ્લાન્ટ બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ 2021 માં નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગોમાંના એક મલાક્કા સ્ટ્રેટ પાસે સ્થિત ગ્રેટ નિકોબાર ટાપુ પર નિર્મિત આ પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આર્થિક અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.ICTT પ્રોજેક્ટનો હેતુ સિંગાપોર અને કોલંબો જેવા વિદેશી બંદરો પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો છે. હાલમાં, ભારતમાં ઊંડા પાણીનું બંદર નથી જ્યાં મોટા કાર્ગો જહાજો માલ લોડ અને અનલોડ કરી શકે. મલાક્કા, સુંડા અને લોમ્બોક સ્ટ્રેટ નજીક નિકોબારનું સ્થાન ભારતને વિશ્વના કેટલાક સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોનું નિરીક્ષણ કરવામાં પણ મદદ કરશે.
75

