આજે સવારે બારામતીમાં એક પ્રાઈવેટ જેટ ક્રેશ થવાની ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(NCP)ના વડા અજિત પવારનું મોત નીપજ્યું હતું, જેને કારણે મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. એવામાં રાજસ્થાનના જયપુરમાં એક મોટી વિમાન દુર્ઘટના થતા રહી ગઈ હતી.અહેવાલ મુજબ આજે બુધવારે દિલ્હીથી ટેક ઓફ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-1719 જયપુર એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં નિષ્ફળ રહી હતી. વિમાને બપોરે 1:05 વાગ્યે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર વિમાન રનવેને ટચ કરીને ફરી ઉડી ગઈ હતી.પાઇલટે છેલ્લી ઘડીએ લેન્ડિંગ કરવાનો વિચાર બદલ્યો હતો અને વિમાનને પાછું હવામાં ઉડાવી દીધું. વિમાનમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અહેવાલ મુજબ આ ફ્લાઈટમાં પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા સવાર હતાં. અહેવાલ મુજબ લેન્ડિંગ દરમિયાન પાઈલટને કોઈ સમસ્યાનો ખ્યાલ આવ્યો હતો, મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપતા, તેને “ગો-અરાઉન્ડ” નો નિર્ણય લીધો હતો. વિમાન જયપુર એરપોર્ટની આસપાસ આકાશમાં ચક્કર લગાવતું રહ્યું. પરિસ્થિતિ સામાન્ય થયા પછી બીજા પ્રયાસમાં પાઈલટે વિમાન સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. વિમાનમાં સવાર મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો.એરપોર્ટ અધિકારીનોના જણાવ્યા મુજબ આ કોઈ અસામન્ય ઘટના નથી. જો પાયલોટને લેન્ડિંગ અસુરક્ષિત લાગે છે, તો તે વિમાનને હવામાં પાછું લઈ જવાનો નિર્ણય કરી શકે છે. જયપુર એરપોર્ટ પર અગાઉ પણ લેન્ડિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો હોવાની ઘટના બની ચુકી છે.અધિકારીઓના જણાવ્યા મુજબ કે ફ્લાઇટ ઓપરેશનમાં આવી પરિસ્થિતિઓ સંપૂર્ણપણે સલામતીના ધોરણોમાં હોય છે.
75

