ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી એમ.એમ. પટેલ કોલેજ સંકળાયેલા લાંચકાંડમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલના પેન્શન સહિતના નિવૃત્તિ લાભોની ફાઈલ પર સહી કરવા બદલ 5 લાખ રૂપિયાની લાંચ માગવાના કેસમાં આરોપી વોચમેનને ગુજરાત હાઇકોર્ટ તરફથી જામીન મળી ગયા છે, જ્યારે મુખ્ય આરોપી ટ્રસ્ટી હજુ પોલીસ પકડથી દૂર છે.આ સમગ્ર મામલે અમદાવાદ ACB પોલીસ મથકે કોલેજના ટ્રસ્ટી તિમિર અમીન અને વોચમેન મુરલી મનોહર ઝંડોલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ, કોલેજના નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલને પેન્શન તથા અન્ય લાભો મેળવવા માટે ટ્રસ્ટીની સહી જરૂરી હતી. આ સહી કરવા બદલ ટ્રસ્ટી તિમિર અમીને ફરિયાદી પાસેથી કુલ 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી.પોલીસ ફરિયાદ અનુસાર, આ લાંચની રકમમાંથી 2 લાખ રૂપિયા ટ્રસ્ટીએ અગાઉથી જ મેળવી લીધા હતા. બાકી રહેલા 3 લાખ રૂપિયા વોચમેન મુરલી મનોહર ઝંડોલને આપવાનું કહેવામાં આવ્યું હતું. જોકે ફરિયાદી બાકીની લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો.ACB દ્વારા ગોઠવાયેલ છટકામાં આરોપી વોચમેન મુરલી મનોહર ઝંડોલ 3 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. જોકે આ દરમિયાન મુખ્ય આરોપી ટ્રસ્ટી તિમિર અમીન ફરાર થઈ ગયો હતો અને હજુ સુધી તેની ધરપકડ થઈ શકી નથી. પકડાયા બાદ આરોપી વોચમેન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.અરજદાર વતી એડવોકેટ પાર્થવીર ચારણે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે વોચમેનને સ્વીકારેલી રકમ શેના માટે હતી, તેની તેને કોઈ જાણકારી નહોતી. તેણે માત્ર ટ્રસ્ટીના આદેશનું પાલન કર્યું હતું અને લાંચની રકમમાંથી તેનો કોઈ વ્યક્તિગત લાભ ન હતો. કોર્ટએ બંને પક્ષોની દલીલો પર વિચારણા કર્યા બાદ આરોપી વોચમેનની જામીન અરજી ગ્રાહી રાખી અને તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
104

