ગુજરાત બોર્ડનું ધો.10 અને ધો.12નું પરિણામ તાજેતરમાં જ જાહેર થયું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની દિકરીને નજીવી ભુલના કારણે તે નાપાસ જાહેર કરાતા દીકરી ખુબ નાસીપાસ થઈ હતી અને તેના પરીણામને લઈ અસ્પષ્ટતા સર્જાઈ હતી અને તેનું ભવિષ્ય સંશયમાં હતું. આ સંવેદનશીલ બાબત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ધ્યાને આવતા માનવીય દ્રષ્ટિકોણથી સમીક્ષા સાથેના અભિગમથી તેમણે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાને યોગ્ય તપાસ કરી દિકરીને સંપૂર્ણ પારદર્શીતાથી ન્યાય આપવા સુચના આપી હતી.વિગતો મુજબ, છોટાઉદેપુર જિલ્લાની નસવાડી વિસ્તારની દીકરી પરમાર અંકિશાબેનને ગેર સમજણના કારણે પોતાના બેઠક નંબરના બદલે અન્ય બેઠક નંબર પરથી સંપૂર્ણ પરીક્ષા આપી હતી. જેના કારણે પરિણામ જાહેર થતા તેને ગેરહાજર જાહેર કરવામાં આવી હતી. અંકિશાએ તેનું નાપાસનું પરિણામ જોઈને નાસીપાસ થઈ હતી.આ બાબતની ગંભીરતાને સમજીને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યા હતા. આ સંદર્ભે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ વિદ્યાર્થીની તેના બેઠક નંબર 73ના બદલે 71 માં સંપૂર્ણ પરીક્ષા આપી હતી. સરકાર દ્વારા ન્યાયસંગત અભિગમ અપનાવતાં, ઉચ્ચ અધિકારીઓને તાકીદે સૂચનાથી સંબંધિત બોર્ડ દ્વારા યોગ્ય નિર્ણય લઈ આ દીકરીને તેનું સાચું પરિણામ જાહેર કર્યું અને તે આધારે ધોરણ-11માં પ્રવેશ માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરાવવામાં આવી.વિદ્યાર્થિનીના તમામ પેપરની ચકાસણી કર્યા બાદ આ વિદ્યાર્થિની ધોરણ 10માં પાસ થવાનું જાણવા મળ્યું હતું. જે બાદ વિદ્યાર્થિનીને પાસ જાહેર કરી મંત્રીના હસ્તે સાચું પરિણામ આપવામાં આવ્યું છે. આ ઘટના રાજ્ય સરકારની વિદ્યાર્થીઓ પ્રત્યેની સહાનુભૂતિ, તટસ્થતા અને શિક્ષણ ક્ષેત્રે ન્યાયાધારિત દૃષ્ટિકોણનો સ્પષ્ટ પુરાવો છે. એક નાનકડી ભૂલને કારણે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય બાબતે સરકારની માનવીયતા અને સર્વસામાન્યની ચિંતા આ નિર્ણયમાં સ્પષ્ટ ઝળકે છે.આ ઘટના સંદર્ભે મંત્રીની સુચનાથી સંબંધિત ખંડ નિરીક્ષકને DEO દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ફરીથી ન થાય તે અંગેની તકેદારી રાખવા પણ રાજ્યમંત્રીએ સૂચના આપી છે. છેવાડાના જિલ્લાની દિકરીના ભણતરની ગંભીરતાને સમજીને ખુબ ઝડપથી ન્યાય અપાવવા અને તેનું આગળનું શિક્ષણ બગડે નહીં તે માટેની વ્યવસ્થા કરવા બદલ અંકિશાબેન અને તેમના પરિવારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
