શહેરના પી.પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ‘પિયરીયું’ નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી 111 દીકરીઓનો અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાજરમાન લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું હતું તેમજ ‘પિયરીયું’ છોડીને સાસરે વિદાય લઈ રહેલી પિતાવિહોણી દીકરીઓને દામ્પત્યજીવનની શુભેચ્છાઓ અને આશીર્વચન પાઠવ્યા હતા.
લગ્નોત્સવમાં વિશ્વવિખ્યાત રામકથા મર્મજ્ઞ પૂ. મોરારીબાપુ, મંત્રીઓ, વન પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. લગ્ન સમારોહની શીતળ સાંજે ઢોલ, શરણાઈ અને સંગીતની સુરાવલિઓ સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો સંગમ સર્જાયો હતો. સવાણી પરિવારના આંગણેથી પિતાવિહોણી 111 દીકરીઓની લાગણીસભર વિદાય અપાઈ હતી. તમને જણાવી દઈએ કે, રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું હતું.