આસો નવરાત્રિ પર્વ આગામી તા.03/૧૦/૨૦૨૪ થી તા.૧૧/૧૦/૨૦૨૪ તથા તા.૧૨/૧૦/૨૦૨૪ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન જિલ્લાનાં તથા જિલ્લા બહારના શ્રધ્ધાળુઓ પગે ચાલીને માતાના મઢ ખાતે દર્શનાર્થે જાય છે. પદયાત્રીઓ ભુજથી દેશલપર, નખત્રાણા, મથલ, રવાપર થઇ માતાના મઢ જાય છે અને હજારોની સંખ્યામાં પદયાત્રીઓ માટે નાની નાની રીક્ષાઓ, ટેક્ષીઓ, મેટાડોર જેવા વાહનો પણ સેવા માટે આ રસ્તા પરથી સતત અવર-જવર કરતા હોય છે અને આ પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જિલ્લાના સામખીયાળીથી માતાના મઢ સુધી સેવા માટેના કેમ્પો રોડની બંને બાજુએ નાખવામાં આવે છે. જેથી પદયાત્રીઓનાં માર્ગમાં કોઇ અડચણ કે મુશ્કેલી ઊભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઇ રહે તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રટશ્રી મિતેશ પંડયા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) (ન) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ તા.૩૦/૦૯/૨૦૨૪ થી તા.૧૨/૧૦/૨૦૨૪ સુધી સંબંધિત કેમ્પ સંચાલકોને આ જાહેરનામાની વિગતોનો અમલ કરવા જણાવાયું છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર સામખીયાળીથી માતાના મઢ સુધી શ્રધ્ધાળુઓ માટે કચ્છ અને કચ્છ બહારની જે સંસ્થાઓ તરફથી રસ્તાની સાઇડે કેમ્પ રાખવામાં આવે છે, તેઓએ સેવાભાવી સંસ્થાનું નામ, સરનામું, ટેલિફોન/મોબાઈલ નંબર, કેમ્પનું સ્થળ અને કેમ્પનો હેતુ, કેમ્પના મુખ્ય સંચાલકો/આયોજકોના નામ, સરનામા, ટેલિફોન/મોબાઈલ નં. તેમજ કેમ્પના સેવા આપનાર સ્વયંસેવકોના નામ, સરનામા, ટેલિફોન/મોબાઇલ નંબરની સાથે કેમ્પમાં કોઇ ચીજ/વસ્તુ ખાદ્ય પદાર્થ વિતરણ કરવાના હોય તો તેની સંપૂર્ણ વિગત. કેમ્પમાં પ્રતિબંધિત ખાદ્યપદાર્થનું વિતરણ કરી શકાશે નહીં. કેમ્પ કેટલા દિવસ માટે લગાડવાનો છે તેની વિગત આપવાની રહેશે.
આ ઉપરાંત જે જગ્યાએ કેમ્પ લગાડવાના હોય તે જગ્યાએ લાઇટ રીફલેકટર રાખવા, કેમ્પ આયોજકોએ સફાઇ માટેની જરૂરી વ્યવસ્થા, કચરાપેટી માટેની જરૂરી વ્યવસ્થા કરવી. યાત્રાળુઓ માટે શુધ્ધ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. રસ્તા ઉપર વધારાના સ્પીડબ્રેકર કે બમ્પ બનાવવાના રહેશે નહીં. લાઉડ સ્પીકર વગાડવા માટે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે. પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ કરવો નહીં. કેમ્પના સંચાલકોએ જમીન માલિકની પરવાનગી મેળવી મંડપ બાંધવાના રહેશે તેમજ કેમ્પના સંચાલકોએ જાહેર રસ્તા કે મુખ્ય માર્ગ પર કોઇ અવરોધ ઊભા કરવા નહીં.
તેમજ સેવા કેમ્પ પસાર થતાં માર્ગથી અંદરના ભાગે વાહન-વ્યવહારને તેમજ રાહદારીઓ/પદયાત્રીઓને અડચણરૂપ ન થાય તે રીતે બાંધવા જણાવાયું છે.
આ તમામ વિગતો કેમ્પના સ્થળે રાખવાની રહેશે તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનને તેની જાણ કરવાની રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડ સંહિતાને કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …