કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ અને ભારે પવનની પરિસ્થિતિની અસર વીજળી વિતરણ વ્યવસ્થા ઉપર થઈ છે. વીજ પોલ ધરાશાયી થવાના કારણે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ભરાવના લીધે વીજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. જોકે, ગઈકાલ સાંજથી વરસાદ બંધ થતા જ કચ્છ જિલ્લામાં પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ અને પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતિ પ્રીતિ શર્માની આગેવાની હેઠળ અન્ય જિલ્લાઓમાંથી પણ વધારાની ટીમો બોલાવીને કચ્છમાં યુદ્ધના ધોરણે વીજ વિતરણ વ્યવસ્થા પૂર્વવત્ કરવા કામગીરી થઈ રહી છે. કચ્છ જિલ્લામાં કુલ ૧૧૫થી વધારે ટીમો દિવસ રાત કામગીરી કરી રહી છે. ભાવનગર, અમરેલી, જુનાગઢ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, હિંમતનગર અને બનાસકાંઠામાંથી કચ્છની પરિસ્થિતિને ધ્યાને લઈને વીજ વિક્ષેપના નિવારણ હેતુ ૩૧ ટીમ બોલાવવામાં આવી છે. જે હાલમાં કચ્છ જિલ્લાની ૮૪ ટીમો સાથે મળીને દિવસ રાત કામગીરી કરી રહી છે.
કચ્છ જિલ્લામાં ખાસ કરીને માંડવી, મુન્દ્રા, અબડાસા વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થવાના કારણે વીજ વિક્ષેપ ઊભો થયો હતો. જોકે, પીજીવીસીએલ દ્વારા દિવસ રાત કામગીરી કરવામાં આવી રહી છે. વીજપોલને બદલવાની કામગીરી માટે ખાનગી કોન્ટ્રાક્ટર્સને કામે લગાડવવામાં આવ્યા છે. ઘણીબધી જગ્યાએ ફક્ત પાણી ભરાવની સ્થિતિના લીધે વીજવિક્ષેપ પડ્યો છે. નાગરિકોના ઈલેક્ટ્રોનિક ઉપકરણોને નુકશાન પહોંચે નહીં એવી રીતે યોગ્ય ટેક્નિકલ તપાસ બાદ એક પછી એક ફિડરની લાઈનોમાં વીજ વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે. પીજીવીસીએલની ટીમો મુખ્ય લાઈનના કામકાજ સાથે નાગરિકોની હાઉસહોલ્ડ ફરિયાદોને પણ અટેન્ડ કરી રહી છે.
આમ, આગામી ૨૪ કલાકમાં કોઈપણ ઘર વીજળી વિનાનું રહે નહીં એવા લક્ષ્યાંક સાથે પીજીવીસીએલના કર્મયોગીઓ દિવસ રાત વીજ વિક્ષેપ નિવારણ અને મેન્ટેનન્સની કામગીરીમાં જોતરાયેલા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૦૦થી વધારે ગામોમાં વીજળી સેવા પૂર્વવત્ કરવામાં આવી છે. જ્યારે ૧૨૫ જેટલા ગામમાં નાના-મોટા ફોલ્ટ, વીજપોલ ધરાશાયી, સબ સ્ટેશનમાં પાણીના ભરાવા અને ૬૬ કેવી સ્ટેશનમાં ફોલ્ટ જેવી સમસ્યાઓના લીધે વીજ વિક્ષેપ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. આ ઉપરાંત, વીજ મેન્ટેનન્સ માટે સાધન-સામાન પુરતા પ્રમાણમાં પીજીવીસીએલ પાસે ઉપલબ્ધ છે. ટ્રાન્સફોર્મર, વીજપોલ, વાયર સહિતની સામગ્રી અસરગ્રસ્ત તાલુકાઓ સુધી યુદ્ધના ધોરણે પહોંચાડવામાં આવી રહી છે.