વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ શાંતિ અને સુરક્ષાની શોધમાં છે. કોઈ એક ધર્મ બધા લોકોની સમસ્યાને ઉકેલી ન શકે, એટલા માટે જ લોકો અલગ-અલગ ધર્મો તેમજ આધ્યાત્મિક માર્ગોનું અવલંબન કરે છે. શાંતિ, સુરક્ષા તેમજ આધ્યાત્મિક પ્રગતિ માટે સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ વિશ્વને હિમાલયીન ધ્યાનયોગ સાધનાનો સરળ માર્ગ બતાવ્યો છે. આજે વિશ્વના ૬૦થી પણ વધુ દેશના લોકો આ પદ્ધતિથી ધ્યાન કરીને પોતાનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે. ભાષા, ધર્મ, દેશ, જાતિ, રંગ તથા લિંગના ભેદથી પર એવી આ એક સરળ ધ્યાનપદ્ધતિ છે, જેને લાખો લોકોએ આપનાવી છે.
સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી આ ધ્યાનપદ્ધતિને જન-જન સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. છેલ્લાં ૨૫ વર્ષથી વિશ્વના અનેક દેશોએ તેઓને આમંત્રિત કર્યા છે. હાલ પૂજ્ય સ્વામીજી શ્રીલંકાના પ્રવાસે છે. તે દરમિયાન જ શ્રીલંકામાં સાંસદો માટે ધ્યાનશિબિર ‘પીસ ઇન વન્સ વર્લ્ડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂજ્ય સ્વામીજીને ‘એમ્બેસેડર ફોર ગ્લોબલ પીસ એન્ડ હ્યુમેનિટી’થી સન્માનિત કરવામાં આવ્યા.
શ્રીલંકાના સુપ્રસિદ્ધ બિઝનેસમેન તેમજ કમ્યુનિટી લીડર શ્રી દિપક વિક્રમસિંઘે દ્વારા આ શિબિરનું આયોજન લક્ષ્મણ કાદિરનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન ઈન કોલંબોમાં કરવામાં આવ્યું હતું. બધા સાંસદો તેમજ સનદી અધિકારીઓ તથા કમ્યુનિટી લીડર્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીનો પરિચય આપવામાં આવ્યો. ત્યારબાદ પૂજ્ય સ્વામીજીનું પ્રવચન તેમજ સામૂહિક ધ્યાનનું સત્ર થયું. ઉપસ્થિત બધા લોકોના પ્રશ્નોનું સમાધાન પણ પ્રશ્નોત્તરી સત્રમાં કરવામાં આવ્યું. આ ઊર્જાપૂર્ણ આધ્યાત્મિક સેશનનો લાભ ૫૦થી પણ વધુ લોકોએ લીધો. ધ્યાન દરમિયાન અલગ-અલગ અનુભૂતિઓનો અનુભવ પણ થયો. હિમાલયીન ધ્યાનયોગના દક્ષિણ તેમજ દક્ષિણ પૂર્વ એશિયાના પ્રમુખ શ્રી સૌંદરહ રાજા રત્નમે જણાવ્યું કે વિશ્વશાંતિ બહુ દૂરની વાત છે, પરંતુ વ્યક્તિના જીવનમાં ધ્યાનને જોડવાથી તે શાંતિ પ્રાપ્ત કરશે અને તેનાથી જ શાંતિમય વિશ્વનું નિર્માણ કરી શકાય છે.
પૂજ્ય સ્વામીજીએ ૮૦૦ વર્ષ જૂની હિમાલયીન ધ્યાનપદ્ધતિ વિશે વિસ્તૃતમાં સમજાવતાં કહ્યું કે નિયમિત ધ્યાન દ્વારા લોકો સર્વાંગીણ વિકાસ કરી શકે છે તેમજ આધ્યાત્મિક પ્રગતિ પણ આ ધ્યાનથી સંભવ છે. યોગ કરવાથી શરીરભાવ ઓછો થાય છે, આત્મભાવ વધી જાય છે. જેટલી પણ સમસ્યાઓ છે તે શરીર સાથે સંબંધિત છે. જ્યારે શરીરભાવ ઓછો થશે તો સમસ્યાઓ પણ ઓછી થશે. આજે જે બીજ તમે પ્રાપ્ત કર્યું છે તેને નિયમિત ૪૫ દિવસ ધ્યાન કરીને તમારે વૃક્ષ બનાવવાનું છે અને જોજો તમારી આખી જિંદગી બદલાઈ જશે.