ભૂજ,
કચ્છમાં વાવાઝોડાની અસરના પગલે દરિયાકાંઠાના તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ કચ્છના અબડાસા તાલુકાના મુખ્યમથક નલીયાની પ્રાંત કચેરીએ સમીક્ષા બેઠક યોજીને જનજીવન સામાન્ય બને તે માટેની વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. નલીયા પ્રાંત અધિકારીશ્રી કુન્દન વાઘેલાએ અબડાસા તાલુકાની વર્તમાન સ્થિતિ અંગે પ્રભારીમંત્રીશ્રીને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારે પવન સાથેના વરસાદના લીધે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી કુલ ૮૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટ સહિત પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પ્રભારીમંત્રીશ્રીએ અબડાસા તાલુકાની પરિસ્થિતિનો ખ્યાલ મેળવીને રોડ કનેક્ટિવિટી અને વીજ પુરવઠો યુદ્ધના ધોરણે પૂર્વવત કરવા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત વરસાદ બાદ ગ્રામ્ય રોડ રિપેરિંગ, પશુ મરણ સહાય, સરકારી નિયમોનુસાર કૅશડોલ સહાય, નુકસાન સર્વે કામગીરી, રોગચાળો અટકાવવા જરૂરી આરોગ્યલક્ષી પગલાઓ સહિતની બાબતોને પ્રાથમિકતા આપી કામગીરી કરવા ઉપર ભાર મૂક્યો હતો.
અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ વીજ પુરવઠાના પુનઃ સ્થાપન અને સંદેશા વ્યવહારથી કોઈપણ ગામ વંચિત રહી ના જાય એ રીતે તાલુકાના તંત્રને કામગીરી કરવા સૂચના આપી હતી. અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ અને શ્રી ધવલભાઈ આચાર્યે પ્રભારીમંત્રીશ્રીની સૂચનાઓનું તાત્કાલિક અમલીકરણ કરવા અને જનજીવન સામાન્ય થાય તે દિશામાં ઝડપથી કામગીરી કરવા ઉપર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજયભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી ભરતભાઈ ચૌધરી સહિત તાલુકાના પદાધિકારીશ્રીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.