કલોલ- ગાંધીનગર હાઇવે પરના સઇજ ગામ નજીક એસ.ટી બસના ડ્રાઇવરે બિનકાળજી પૂર્વક બસ ચલાવી અંડરબ્રિજ નીચે લઇ જવાનો પ્રયત્ન કર્યો : બસ અંડરબ્રિજ નીચે ફસાઇ ગઇ
એસ.ટી વિભાગને બિનકાળજી પૂર્વક બસ ચલાવનાર ડ્રાઇવર સામે નિયમોનુસાર પગલા ભરવાનો આદેશ કરતાં જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે
ગાંધીનગર:
કલોલ – ગાંધીનગર હાઇવે પરના સઇજ ગામ નજીક આજે બપોરના એસ.ટી. બસના ડ્રાઇવરે બિનકાળજી પૂર્વક બસ ચલાવી અંડરબ્રિજ નીચે લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે એ સ્થાનિક તંત્ર સાથે વાત કરી હતી. બિનકાળજી પૂર્વક બસ ચલાવનાર ડ્રાઇવર સામે એસ.ટી વિભાગને નિયમોનુસાર કાર્યવાહી કરવાનો આદેશ જિલ્લા કલેકટરશ્રીએ આપ્યો છે.
ગાંધીનગર – મહેસાણા હાઇવે પર કલોલથી ગાંધીનગર તરફ આવવાના માર્ગ પર સઇજ ગામ આવે છે. આજે બપોરના ૪.૨૧ કલાકે ગુજરાત એસ.ટી બસના ડ્રાઇવરે સઇજ ગામ નજીક આવેલા અંડરબ્રિજમાંથી બસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. સઇજ અંડરબ્રિજ પાસે બસ ફસાઇ ગઇ હોવાની વાત સ્થાનિક તંત્રને મળતાં કલોલ પ્રાંત અધિકારી શ્રી જૈનિલ દેસાઇના માર્ગદર્શન હેઠળ કલોલ ગ્રામ્ય મામલતદાર શ્રી જેમીની ગઢીયાએ યોગ્ય કાર્યવાહી કરવાનો આરંભ કર્યો હતો.
સ્થાનિક તંત્રને ઘટના સ્થળે પહોંચી ગયા બાદ બસમાં બેઠલા મુસાફરો સાથે વાત ચીત કરતા માલૂમ પડયું હતું કે, બસના ડ્રાઇવર બિનકાળજી પૂર્વક બસ અંડરબ્રિજ નીચે લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. આમ ન કરવા પણ બસમાં બેઠલા મુસાફરોએ ડ્રાઇવરને કહ્યું હતું. તેમ છતાં બસના ડ્રાઇવરે અંડરબ્રિજ નીચેથી બસ પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી બસ ત્યાં ફસાઇ ગઇ હતી.
આ ઘટનાની જાણ ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેને થતાં તેમણે તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર સાથે વાતચીત કરી હતી. તેમજ આ ઘટના કેવી રીતે ઘટી તેની વિસ્તૃત માહિતી મેળવી હતી. બિનકાળજી પૂર્વક બસ ચલાવનાર ડ્રાઇવર સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે એસ.ટી વિભાગને કલેકટરશ્રીએ જણાવ્યું હતું.