ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લો જળબંબાકાર બન્યો છે. નવસારી નજીકથી વહેતી પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવીને 7 ફૂટ ઉપર વહી રહી છે. 30 ફૂટ પર પહોંચી જતા નવસારી શહેરના 35,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા નવસારી શહેરના 12 થી વધુ વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે. આ સ્થિતિમાં 35,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમાં 3000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આ લોકો માટે સરકારી શાળા તેમજ લગ્નના હોલમાં તેમજ સરકારી કચેરીઓમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે
ભારે વરસાદ અને પાણી ભરવાના કારણે નવસારી જિલ્લાના નાના-મોટા 70 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મુખ્યત્વે નવસારીના ચાર સ્ટેટ હાઇવે પણ બંધ કરવામાં આવ્યા છે. જેમાં નવસારીથી મરોલી જતો માર્ગ, નવસારી બારડોલી માર્ગ, નવસારી ગણદેવી માર્ગ અને નવસારી સુરત માર્ગનો સમાવેશ થાય છે. આ સાથે નેશનલ હાઈવે પણ પ્રભાવિત થયો છે.
નવસારીની પૂર્ણા નદીમાં સપાટી હજુ વધી રહી છે, જેને લઇને પૂરના પાણી વધી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર પૂરની પરિસ્થિતિને પગલે એલર્ટ થઈ ગયું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.