કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં સાંસદશ્રી તથા ધારાસભ્યો સહિતના પદાધિકારીશ્રીઓ દ્વારા વીજળી, પાણી, સિંચાઈ, પશુઓની રસી ,આરોગ્ય, શિક્ષણ સહિતના અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી જિલ્લા કલેકટરશ્રી દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં વીજળીના સંદર્ભમાં સર્જાતી સમસ્યા, સુજલામ સુફલામ, રીચાર્જ બોર, પાણી સહિતના મુદે પ્રશ્નો રજૂ કરીને તેના ઉકેલ માટે સંબંધિત અધિકારીશ્રીઓને સત્વરે કામગીરી કરવા સૂચના આપી હતી.
ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ દ્વારા ઢોરાથી હાજીપીર રસ્તાના બંધ કામને ચાલુ કરવા, વીજળી તથા ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગા દ્વારા સ્પીડ બ્રેકર દુર કરવા, નિંગાળના ખેડૂતોના જમીન અંગેનો પ્રશ્ન, એકમો દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારી આપવા મુદે, બીપીએલની પડતર અરજીઓ, લીલાશા કુટિયા ફાટક નીચે અન્ડર બ્રીજ બનાવવા અંગે, પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જયારે ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પાણી પુરવઠાના બોરવેલ, પંચાયત હસ્તકના પીવાનાં પાણીના બોર, નર્મદાના પાણીનો પૂરતો જથ્થો આપવા, ગેરકાયદે કનેકશન કાપવા, નંબર પ્લેટ વગરના વાહનો તથા કાળી ફિલ્મ વાળા વાહનો સામે પગલા ભરવા, પોલીસ વિભાગમાં લાંબા સમયથી એક સ્થળે નોકરી કરતા કર્મચારીઓની બદલી, ઘરફોડ,કેબલ,પશુચોરી તથા બેફામ ખનીજ ચોરી અટકાવવા, જુના વીજવાયર તથા થાંભલા બદલવા, સબસ્ટેશનોમાં અધુરાશ પૂર્ણ કરવા, ગૌમાતા પોષણ યોજનાના અમલીકરણની વિગતો આપવા, મંજૂર ગ્રામ પંચાયત કામ પૂર્ણ કરવા, શાળાઓમાં ઓરડાની કામગીરી, છારીઢંઢનો રસ્તો પૂર્ણ કરવા, રેલવેમાર્ગ પર ક્રોસિંગ આવે ત્યાં વરસાદી પાણીના નિકાલ અંગેની વ્યવસ્થા કરવા, પાણી વિતરકો દ્વારા પાણીને ઠંડુ કરવા જગમાં વપરાતા લીકવીડ નાઇટ્રોજન અથવા ઠંડા પાણી કરવા વપરાતા કેમિકલની તપાસ કરીને કાર્યવાહી કરવા, તથા ખાદ્ય વસ્તુઓનું ચેકીંગ કરવા, ખેડૂતોને ત્વરાએ બીજ આપવા, ખેડૂતોને વીજ કનેકશન આપવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી કુંવરબેન મહેશ્વરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર ,નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયા, , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પારેખ, પ્રાંત અધિકારીશ્રીઓ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને વિવિધ કચેરીઓના વડા ઉપસ્થિત રહ્યા હતાં.