પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકારશ્રી દ્વારા પાંચ ગામના કલસ્ટર બનાવીને સઘન તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કચ્છમાં અત્યારસુધી મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે. ત્યારે તાજેતરમાં પ્રાકૃતિક ખેતીમાં ઉત્તમ કામગીરી કરતા રાજયના ૧૧ ખેડૂતોને ધી ગુજરાત સ્ટેટ કો- ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી. દ્વારા બેસ્ટ ફાર્મર ખેડૂતના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જેમાં કચ્છના મહિલા ખેડૂત જૂલીબેન ભાવેશ માવાણીનો પણ સમાવેશ થયો છે. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદ ખાતે બે દિવસ પૂર્વે તેમનું ખાસ એવોર્ડ સાથે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત તથા વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે વિશેષ તથા નોંધપાત્ર સફળતા મેળવનાર ૧૧ ખેડૂતોને બેસ્ટ ફાર્મર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જેમાં માંડવી તાલુકાના વરઝડીના જૂલીબેન માવાણીને પ્રાકૃતિક રીતે બાગાયતી પાકો જેવા કે, આંબા, જામફળ તેમજ હળદર, ચણા, તુવેર, સરગવાની ખેતી કરીને તેનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરવા માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ અંગે જૂલીબેને જણાવ્યું હતું કે, પ્રથમ નાના પાયે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી જેમાં સફળતા મળતા હાલ તેઓ સંપૂર્ણ ૧૩ એકરમાં પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં મોટાભાગે બાગાયતી પાકો તથા મસાલામાં હળદર, સૂંઠ, લસણ, ડુંગળી ઉપરાંત સરગવાની ખેતી કરે છે. જેમાંથી તેઓ વેલ્યુએડીશન કરીને મસાલાના બનાવીને વેચાણ કરે છે. જેમાં સરગવાનો પાઉડર, હળદરનો પાઉડર, ચાનો મસાલો, છાશનો મસાલો, સૂંઠ પાઉડર, ચણા, તૂવેર, આંબાનો પલ્પ વગેરેનું જાતે બનાવીને સીધું માર્કેટમાં વેચાણ કરે છે. જેનાથી નોંધપાત્ર નફો થવા સાથે તમામ પ્રોડકટ ૧૦૦ ટકા પ્રાકૃતિક હોવાથી લોકોમાં ખૂબ જ માંગ છે. ઘરે જ તમામ પ્રોડકટ બનાવતા હોવાથી તેઓ અન્ય મહિલાઓને પણ રોજગારી આપી રહ્યા છે.
તેઓ ઉમેરે છે કે, વિવિધ ખાદ્ય પ્રોડકટ માટે પોતાના વાડીના ઉત્પાદન પુરતા ન હોવાથી તેઓ અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદન સીધા જ વાડીમાંથી ખરીદી લે છે. આમ, અન્ય ખેડૂતોને પણ ફાયદો થઇ રહ્યો છે. આમ, પ્રાકૃતિક ખેતી સાથે સફળ બિઝનેસ વૂમન બનેલા ૩૩ વર્ષીય જૂલીબેન માવાણી રાજયના અન્ય મહિલા ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …