ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજરોજ ગાંધીધામ ખાતે યોગનો અમૃતકાળ “ગામે ગામ યોગ ઘરે ઘરે યોગ” અભિયાન હેઠળના બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શિશપાલજીના અધ્યક્ષસ્થાને યોગસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી યોગસેવક શિશપાલજીએ જણાવ્યું હતું કે, યોગએ સ્વાસ્થ્યની કુંજી છે. આજે બેઠાડું જીવન ,વ્યાયામનો અભાવ તથા અયોગ્ય ખાનપાનના કારણે લોકોનું સ્વાસ્થ્ય કથળ્યું છે. ત્યારે યોગ એ સ્વાસ્થ્ય સુધારવા સાથે મનની શાંતિ પણ આપે છે. તેમણે શરીરની જક્કડ અને મનની પકડને બીમારીનું કારણ હોવાનું જણાવીને લોકોને પ્રાણાયામ યોગાસન તેમજ દૈનિક વ્યાયામ કરવા માટે અપીલ કરી હતી.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રોગમુક્ત અને યોગયુક્ત બનવા માટે દરેક વ્યક્તિએ સંકલ્પ લઈને ઘરે ઘરે યોગનો પ્રચાર કરવો પડશે તો જ આજના સમયમાં વ્યક્તિ તંદુરસ્ત જીવન જીવી શકવા માટે સક્ષમ બનશે. તેમણે દૈનિક જીવનમાં તાળીનું મહત્વ સમજાવતા લોકો સાથે યોગ અંગે સીધો સંવાદ કરીને આ બાબતે માર્ગદર્શન આપ્યું હતું તેમજ ઉપસ્થિત નાગરિકોને યોગના પાઠ ભણાવ્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વભરમાં યોગનો પ્રચાર કર્યો છે ત્યારે તેમની આગેવાની હેઠળ આપણે પણ ઘરે ઘરે યોગની જ્યોત પ્રજવલિત કરીએ. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, યોગ એ દરેક વ્યક્તિની અંદર રામ પેદા કરે છે તેથી દરેક વ્યક્તિએ યોગનું અનુસરણ કરીને પરિવારને પ્રાધાન્ય આપવા સાથે ખુદના સ્વાસ્થ્યનું પણ ધ્યાન અચૂક રાખવું જોઈએ.
આજના કાર્યક્રમમાં યોગ રસિકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકાના કારોબારી ચેરમેનશ્રી એ.કે.સિંગ તેમજ આગેવાનશ્રીઓ ભરતભાઈ ઠક્કર, નંદલાલ ગોહિલ તેમજ અધિકારીશ્રીઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર શ્રી વિજય શેઠ, શ્રી ભુપતસિંહ સોઢા, શ્રી હિતેશ કપૂર, શ્રી અંજનાબેન, મામલતદાર શ્રી દિનેશ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.