- ભુજ અને નખત્રાણામાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના બે ગોડાઉનનું
જાત નિરીક્ષણ કરીને અનાજની ગુણવત્તાની ચકાસણી કરી - ભુજમાં સમરસ કન્યા છાત્રાલયની મુલાકાત લઇને સુવિધાની સમીક્ષા કરી
- માતાના મઢ ખાતે કચ્છ ધણીયાણી મા આશાપૂરાને શીશ નમાવવા સાથે
નારાયણ સરોવર અને કોટેશ્વરમાં દર્શન કરીને લોક સુખાકારીની પ્રાર્થના કરી
રાજયકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર કચ્છની બે દિવસીય મુલાકાતે છે ત્યારે આજરોજ મંત્રીશ્રીએ ભુજ તથા નખત્રાણા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હેઠળ કામગીરી કરતા ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ભુજ અને નખત્રાણા સહિત બે સરકારી ગોડાઉનનું જાત નિરીક્ષણ કરીને અનાજની ગુણવત્તાની ચકાસણી કરીને જરૂરી સૂચનો આપ્યા હતા.
પ્રથમ ભુજ ખાતે રાજય મંત્રીશ્રીએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હેઠળના સરકારી ગોડાઉનની મુલાકાત લઇને ચણા,દાળ સહિતના અનાજની ચકાસણી કરી હતી તથા જથ્થા અંગે જાણકારી મેળવી હતી. આ સાથે ભુજ ખાતે સમરસ કન્યા છાત્રાલયની મુલાકાત લઇને અહીંની સુવિધા તથા કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ અહીં રહેતી છાત્રાઓ સાથે સંવાદ કર્યો હતો.
ત્યારબાદ ભુજ – નખત્રાણા હાઇવે પર આવેલા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લઇને અનાજની બોરીમાં વજન સહિત તેની ગુણવત્તાની ચકાસણી કરી હતી. અધિકારીશ્રીઓ પાસેથી માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા.
રાજયમંત્રીશ્રીએ માતાના મઢ ખાતે કચ્છ ધણીયાણી મા આશાપૂરાના ચરણોમાં શીશ નમાવીને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેમજ નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ઉપરોક્ત તમામ મુલાકાત દરમિયાન જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.