જળસંપતિ અને પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજરોજ કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન કલેકટર કચેરી ભુજ ખાતે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને સંલગ્ન રીવ્યુ બેઠક યોજી હતી.
કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જિલ્લા તોલમાપ અધિકારીશ્રી, જિલ્લા ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રીની હાજરીમાં યોજાયેલી રિવ્યુ મીટીંગમાં મંત્રીશ્રીએ જિલ્લા પુરવઠા કચેરીમાં સરકારશ્રી દ્વારા લગાડવામાં આવેલા લાઈવ સ્ક્રીન મોનીટરીંગ સીસ્ટમના માધ્યમથી જિલ્લામાં આવેલા ગોડાઉનોનું નિરીક્ષણ કર્યું હતું.
આજની બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લાની વાજબી ભાવની ચાર્જમાં ચાલતી દુકાનો, વાજબી ભાવની દુકાનો પરથી થતું વિતરણ, ઈ-ટ્રાન્ઝેકશન, ડોર સ્ટેપ ડીલીવરી, ટેકાના ભાવે બાજરીની ખરીદી, સાયલન્ટ કાર્ડ વગેરે અંગે વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ઉપરાંત ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ચાલતાં કેસો તથા તેઓની કચેરીની કામગીરી અંગેની પણ સમીક્ષા કરવામાં આવી હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.