હવામાન વિભાગે દેશનાં અનેક વિસ્તારોમાં વરસાદ અને ગરમીને લઈ આગાહી કરી છે. દિલ્હી-એનસીઆરમાં 24 એપ્રિલે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં આજે ઘણી જગ્યાએ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
IMDએ કહ્યું કે, આગામી 5 દિવસ દરમિયાન ભારતના મોટાભાગના વિસ્તારોમાં હીટ વેવની કોઈ શક્યતા નથી. છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક ભાગોમાં આંધી-તોફાન અને વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી છે.
દક્ષિણ ભારતમાં 24 એપ્રિલે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણામાં ઘણા સ્થળોએ કરા પડવાની સંભાવના છે. IMD એ 26 થી 27 એપ્રિલ દરમિયાન મરાઠવાડામાં વિવિધ સ્થળોએ કરા પડવાની આગાહી કરી છે.
આગામી 5 દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં અને 26 અને 27 એપ્રિલે ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમ રાજસ્થાન સિવાય સમગ્ર વિસ્તારમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.