રાજકોટમાં લાંચ કેસમાં ઝડપાયેલા DGFTના અધિકારીએ આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. અધિકારીએ ચોથા માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. મહત્વનું છે કે, રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી રૂપિયા 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. હાલ તેમના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈએ ઓફિસના બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. આજે સવારે ઓફિસના ચોથા માળેથી કૂદકો મારી દેતાં હાજર સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. સીબીઆઈવી ટ્રેપ બાદ આખી રાત તેમની ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા સેવાઈ રહી છે.