વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેમના આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી જિલ્લા ખાતે ₹4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ₹705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેઓ અમરેલી જિલ્લાની ગાગડિયો નદી પર ₹35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ, જળસંચય વિભાગ હેઠળ ₹20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ, અને કૂવા રિચાર્જના 1000 કામોનું ખાતમુહુર્ત અને 590 કામોનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાનશ્રી ₹2800 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) ના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વધુમાં, ₹1094 કરોડના ખર્ચે રેલવે વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.
₹1094 કરોડના ખર્ચે ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરે ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ ₹1094 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સેક્શનમાં 24 મેજર અને 254 માઇનર બ્રિજ સામેલ છે, તેમજ 3 રોડ ઓવરબ્રિજ અને 30 રોડ અંડરબ્રિજનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ખૂબ જ ફાયદાકારક છે, જે રાજ્યના કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપશે.
આ સાથે જ વડાપ્રધાનશ્રી પ્રવાસન સંબંધિત ₹200 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત પણ કરશે, જે હેઠળ ગુજરાતના પોરબંદર જિલ્લાના મોકરસગાર ખાતે કર્લી રિચાર્જ જળાશયનો વિશ્વસ્તરીય સસ્ટેનેબલ ઇકોટુરિઝમ તરીકે વિકાસ કરવામાં આવશે. આમ, વડાપ્રધાનશ્રી આગામી દિવાળી અને ગુજરાતી નવ વર્ષ પહેલા ગુજરાતના નાગરિકો માટે કરોડોના વિકાસકાર્યોની ભેટ લઇને આવશે.