વડોદરા ખાતે પરવાના વિના આયુર્વેદિક દવાના ઉત્પાદન કરનારા મે. દિવ્યા આયુર્વેદિક ફાર્મસી, ફલેટ નં-૨-એ, ઘવલ એપાર્ટમેન્ટ, નીઝામપુરા, વડોદરાના નામની પેઢી અને તેમના માલિક તુષારભાઇ ઠકકર અને મે. ગ્રીન હેલ્થકેર, પ્લોટ નં-૨૧૪, જી.આઇ.ડી.સી, પોર રમણગામડી, જી.વડોદરા નામની પેઢી અને તે પેઢીના માલિક કારૂભાઇ પ્રવિણભાઇ વાઘરીયાને નામદાર કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદની સજા તથા દરેક આરોપીઓને રૂ.૧૦,૦૦૦/-નો દંડ અને જો દંડ ના ભરે તો વધુ એક માસની જેલ સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે તેમ કમિશનરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યા મુજબ તમામ આરોપીઓને નામ. કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદ અને રૂ. ૧૦,૦૦૦નો દંડ કરાયો ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલ બાતમીના આધારે, મદદનીશ કમિશ્નરની કચેરી આણંદ ખાતે ફરજ બજાવતા ઔષધ નિરીક્ષક મિનાક્ષીબેન રાઠવાએ સને-૨૦૧૩માં આણંદ ખાતે ડોકટરની તપાસ દરમ્યાન આયુર્વેદિક દવાઓના નમુનાઓ લીધા હતા. તે નમુનામાંથી અમુક દવાઓમાં એલોપેથીક ઘટકો જેવાકે નિમેસ્યુલાઇડ ઘટકો જોવા મળ્યા હતા. તેની વધુ તપાસ, વડોદરા ખાતે પ્રવર ઔષધ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા એ.એચ.ઝાલાએ કરી હતી. સીનીયર ડ્રગ ઇન્સ્પેકટર એ.એચ.ઝાલાએ તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ દિવ્યા આયુર્વેદિક ફાર્મસી નામની પેઢીમાં દરોડા પાડી ત્યાંથી આયુર્વેદિક દવાઓ, રો-મટીરીયલ તથા દવા બનાવવાની મશીનરી કબજે કરી હતી.
આ મે. દિવ્યા આયુર્વેદિક ફાર્મસી પાસે ઔષધ અને સોંદર્ય પ્રસાધન ધારા હેઠળના આયુર્વેદિક દવાના ઉત્પાદન કરવાના પરવાનાઓ ન હતા. તેથી તે પેઢી અને તે પેઢીના માલિક તુષારભાઇ ઠકકર સામે નિયમ-૧૫૭/૧૫૭ (એ) તથા ૧૫૮ તથા સિડયુલ-ટીની જોગવાઇની ભંગ કરી કલમ-૩૩ (ઇઇસી) (સી) તથા કલમ-૩૩ (આઇ) મુજબ સજાના પાત્ર અને ઉપરોકત પેઢી મે.દિવ્યા આયુર્વેદિક ફાર્મસીને દવા ઉત્પાદનમાં મદદ કરવા બદલ મે.ગ્રીન હેલ્થકેર, પ્લોટ નં-૨૧૪, જી.આઇ.ડી.સી, પોર રમણગામડી, જી.વડોદરા નામની પેઢી અને તે પેઢીના માલિક કારૂભાઇ પ્રવિણભાઇ વાઘરીયાની સામે પણ નામદાર કોર્ટમાં ક્રિ.કેસ.નં-૨૬૪૬૭/૨૦૧૫ કેસ દાખલ કર્યો હતો. આ કેસના લેખિત પુરાવા, મૌખિક પુરાવા, ફરીયાદી, સાહેદો, પંચોની જુબાનીઓ વિગેરે બાબતે ઘારદાર રજુઆતને ધ્યાને લઇ, નામદાર ૧૮માં એડિશનલ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ વડોદરાની કોર્ટએ ગત તા.૧૭ જાન્યુઆરી, ૨૦૨૩થી આરોપીઓને તકસીરવાર ઠરાવીને તમામ આરોપીઓને સજા કરવામાં આવી છે તેમ કમિશનરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ઉમેર્યું હતુ.