આ ખૂબ જ રસપ્રદ કિસ્સો થાઈલેન્ડથી સામે આવ્યો છે, જ્યાં એક ડ્રાઈવર પતિ તેની પત્નીને રસ્તામાં ભૂલીને 150 કિલોમીટરથી આગળ નીકળી ગયો હતો.
આ ઘટના થાઈલેન્ડના મહાસરખામ પ્રાંતની છે. પતિ-પત્ની કારમાં બેસીને જઈ રહ્યા હતા, તે દરમિયાન પત્ની વોશરૂમ જવા માટે રોકાઈ ગઈ. પછી કંઈક એવું થયું કે પતિ પત્નીને રસ્તામાં મૂકીને દૂર ચાલ્યો ગયો. જો કે, આ બધી ભૂલ હતી અને પતિએ અજાણતામાં જ પત્નીને અડધી રાત્રે રસ્તા પર છોડી દીધી હતી. પતિને ફોન કોલ દ્વારા ખબર પડી કે તે તેની પત્ની વગર ઘણો આગળ નીકળી ગયો છે.
55 વર્ષીય બૂંટોમ ચૈમૂન તેની 49 વર્ષીય પત્ની ઈમુના ચૈમૂન સાથે ક્રિસમસના દિવસે રોડ ટ્રીપ પર ગયા હતા. મોડી રાત્રે 3 વાગ્યે તે શૌચાલય માટે રોકાયો અને તેની પત્ની બહાર જ રહી. બૂંટમે વિચાર્યું કે પત્ની કારની પાછળ બેઠી છે, પરંતુ તે પણ નીચે શૌચાલયમાં ગઈ હતી. ગેરસમજમાં પતિ પત્નીને છોડીને ચાલ્યો ગયો હતો.
ગભરાયેલી પત્ની લગભગ 20 કિલોમીટર સુધી નિર્જન અને અંધારાવાળા રસ્તા પર ચાલતી રહી અને સવારે 5 વાગ્યે તેણે પોલીસ સ્ટેશન જઈને સમગ્ર મામલો જણાવ્યો. મહિલા પાસે તેનો ફોન પણ નહોતો અને તે તેના પતિનો નંબર ભૂલી ગઈ હતી. રસપ્રદ વાત એ હતી કે પત્નીના નંબર પર અનેકવાર ફોન કરવા છતાં પતિએ રિસીવ કર્યો ન હતો.
ઘણી જહેમત બાદ 8 વાગે મહિલા તેના પતિનો સંપર્ક કરી શકી હતી. ત્યાં સુધી પતિ 160 કિલોમીટર આગળ નીકળી ગયો હતો. જ્યારે પતિને ખબર પડી કે તેણે તેની પત્નીને છોડી દીધી છે, ત્યારે તેણે ખૂબ જ શરમ અનુભવી અને તેની પત્નીને પરત લેવા માટે યુ-ટર્ન લીધો. પોલીસે પતિને પૂછ્યું કે આટલી લાંબી મુસાફરીમાં તેણે પત્નીને જોઈ નથી. આના જવાબમાં તે શરમાઈ ગયો હતો અને તેણે તેની પત્નીની માફી પણ માંગી હતી. તેઓ 27 વર્ષથી સાથે છે અને તેમને 26 વર્ષનો પુત્ર છે.