ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી વાર એશિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં નંબર-1 પર આવી ગયા છે. તેમણે મુકેશ અંબાણીને પાછળ છોડ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરના રિપોર્ટમાં ગૌતમ અદાણી રૂ. 9.26 લાખ કરોડથી વધુની સંપત્તિ સાથે એશિયાની પ્રથમ અને વિશ્વની 11મી સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. શુક્રવારે અદાણી ગ્રૂપના શેરમાં વધારો જોવા મળ્યો હતો. આ સાથે અદાણીની 10 લિસ્ટેડ કંપનીઓનું એકંદર માર્કેટ કેપ રૂ. 18 લાખ કરોડને પાર કરી ગયું છે. હિન્ડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝમાં જે ઘટાડો થયો હતો તે પણ સુપ્રીમકોર્ટના નિર્ણય બાદ સંપૂર્ણપણે રિકવર થઈ ગયો છે.2024માં અત્યાર સુધીમાં અદાણીની નેટવર્થ 2.23 લાખ કરોડ વધી છે જ્યારે અંબાણીની સંપત્તિમાં 1.05 લાખ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. જાન્યુઆરી 2024માં અદાણીએ લગભગ 12 મહિના પછી અંબાણીને પાછળ છોડી દીધા હતા. બાદમાં અંબાણી ફરી આગળ થઇ ગયા હતા. હવે ફરી અદાણી આગળ વધી ગયા છે. સુપ્રીમકોર્ટે હિન્ડનબર્ગ રિપોર્ટના આરોપોની તપાસ કરવાના આદેશ આપ્યા પછી અદાણી માટે 2023 ખૂબ જ પડકારજનક રહ્યું હતું. જોકે, બાદમાં સુપ્રીમકોર્ટે સેબીને અદાણી ગ્રૂપની તપાસ પૂરી કરવા આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે વધુ તપાસની જરૂર નથી. અદાણી, હિન્ડનબર્ગ રિપોર્ટ પહેલાં વિશ્વની ત્રીજી સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતા. બ્લૂમબર્ગના ઇન્ડેક્સમાં મુકેશ અંબાણી 9.10 લાખ કરોડની સંપત્તિ સાથે 12મા સ્થાને છે. જ્યારે બર્નાડ આર્નોલ્ટ 17.27 લાખ કરોડની સંપત્તિ સાથે ટોપ પર છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …