કલેકટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ધોરડો ખાતે જી-૨૦ની સંભવત: બેઠકના આયોજન સંદર્ભે સંબંધિત તંત્રના અધિકારીઓને કલેકટરશ્રીએ માર્ગદર્શન આપીને તૈયારીઓ અંગે સુચના આપી હતી. આ સાથે લોકહિતને લગતા વિવિધ પ્રશ્નો મુદે ચર્ચા કરવા સાથે તેના ત્વરીત નિવારણ હેતું સંબંધિત તંત્રને સુચના આપવામાં આવી હતી.
આગામી સમયમાં કચ્છના ધોરડોમાં જી-૨૦ની સંભવત બેઠક યોજાવવાની હોવાથી તેની રોડ, રસ્તા, પાણી વગેરે જેવી તૈયારી મુદે સંકલન સાધીને જરૂરી આયોજન પાર પાડવા કલેકટરશ્રીએ અધિકારીશ્રીઓને સુચના આપી હતી. આ સાથે ફરવાના સ્થળે કે અન્ય જાહેર સ્થળે આવેલા જોખમી બાંધકામની ચકાસણી કરવા અને તેને લગતો રીપોર્ટ સંબંધિત વિભાગને આપવા તાકીદ કરાઇ હતી. નર્મદા કેનાલમાં બનતી આકસ્મિક ઘટનાઓને ટાળવા તાત્કાલિક સુરક્ષાના પગલા ભરવા કલેકટરશ્રીએ સંબંધિત તંત્રને સુચના આપી હતી. ખેડૂતોને વીજળી મુદે મુશ્કેલી ન સર્જાય તે માટે પીજીવીસીએલને યોગ્ય કરવા જણાવ્યું હતું. લોકોની સલામતી માટે આગોતરૂ આયોજન થઇ શકે તે માટે કચ્છમાં જાહેર કાર્યક્રમ થતા હોય તેવા સ્થળો, ધાર્મિક-સામાજિક કાર્યક્રમોના સ્થળો વગેરેનો ડેટાબેઝ બનાવવા તેમજ મેળા કે અન્ય મનોરંજનના સ્થળે ઉપયોગમાં લેવાતા સાધનોની ચકાસણી, ફીટનેસ સર્ટીફિકેટ વગેરે કરાવવા સંબંધિત વિભાગોને ખાસ તાકીદ કરાઇ હતી.
બેઠકમાં કિસાન સન્માન નિધિ યોજનામાં આધાર કાર્ડ લીંકની ચાલતી કામગીરી તથા યુરીયા ખાતરની પરિસ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે પી.જી પોર્ટલતથા સી.એમ પોર્ટલ સહિતની વિવિધ લોક ફરીયાદોનો તત્કાલ નિકાલ કરવા જણાવાયું હતું.
બેઠકમાં અબડાસા મત વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રધુમનસિંહ જાડેજાએ પોતાના મત વિસ્તારમાં કેટલી મદરેસા અને મસ્જિદો વક્ફ બોર્ડમાં તેમજ કેટલા મંદિરો આકરાણીમાં ચડાવવામાં આવેલા છે તેની માહિતી માંગી હતી. માંડવી મત વિસ્તારના ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ દવેએ નાની મંઉની ગામતળ નીમ કરવા, નાના-મોટા રતડીયામાં ગામતળ ન હોવાથી યોગ્ય કરવા, વિજયસાગર-૨ ડેમની કામગીરીમાં ઝડપ લાવવા, માંડવી બીચ માટે બાયપાસ રોડની કામગીરી ત્વરાએ ચાલુ કરવા, રામપર-વેકરાના નવા પુલના કામને શરૂ કરવા, નાની રાયણ પાસે નર્મદા કેનાલમાં વરસાદી પાણીનો નિકાલ તથા કુંદરોડીમાં નવી શાળાનું બાંધકામને અડચણરૂપ દબાણ દુર કરવા રજૂઆત કરી હતી.
આ પ્રસંગે ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ પણ પોતાના વિસ્તારના પ્રશ્નો રજુ કર્યા હતા. તેમજ અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગાએ મુખ્ય રસ્તાઓ પર બનતા સ્પીડબ્રેકરને યોગ્ય માપથી બનાવવા માંગણી કરી હતી. જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી કેશવજી રોશિયાએ વિવિધ ગામમાં બનેલા શિક્ષકોના માટેના કવાર્ટર સ્થાનિક ફરજ પરના શિક્ષકોને ફાળવી દેવા રજૂઆત કરી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયા, પશ્ચિમ કચ્છ એસ.પીશ્રી સૌરભ સિંઘ, પૂર્વ કચ્છ એસ.પીશ્રી મહેન્દ્ર બગડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.