ગુજરાતભરમા છેલ્લા ઘણા સમયથી રોડ એક્સિડન્ટ અને હીટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના નિકોલ વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ કાર ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવી 3 લોકોને અડફેટે લીધા હતા. રાત્રે ફરવા નીકળેલા પરિવારને કારે ટક્કર મારી હતી. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. શુક્રવારે મોડી રાત્રે બનેલી ઘટના અંગેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માત બાદ સ્થાનિકોએ કાર ચાલકનો પીછો પણ કર્યો હતો. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.બનાવની વિગતો જોઈએ તો, નિકોલ વિસ્તારમાં આવેલ ગૂરૂકુલ સર્કલ પાસે એક બેફામ કાર ચાલકે પરિવારના જ 3 સભ્યોને અડફેટે લીધા હતા. રાત્રે ફરવા નીકળેલા પરિવારને કારે જોરદાર ટક્કર મારી હતી. જેને લઈને પરિવારના સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.અકસ્માત થતા જ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા પરિવારના સભ્યોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા.
