AAP ઉમેદવાર શૈલી ઓબેરોય દિલ્હીના નવા મેયર બન્યા છે. શૈલી ઓબેરોયે ભાજપના રેખા ગુપ્તાને હરાવ્યા છે. શૈલી ઓબેરોયને 150 વોટ મળ્યા જ્યારે રેખા ગુપ્તાને માત્ર 116 વોટ મળ્યા. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી શરૂ થતાં જ બંને પક્ષના કાઉન્સિલરો વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં જબરદસ્ત હોબાળો ચાલુ છે. આખી રાત ગૃહની કાર્યવાહી ક્યારેક એક કલાક, ક્યારેક અડધો કલાક માટે સ્થગિત કરવામાં આવી અને તે પછી પણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ નથી થઈ શકી. ભાજપના કોર્પોરેટરો સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી ફરી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.
ભાજપ અને આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન નેતાઓએ એકબીજા પર પાણીની બોટલો પણ ફેંકી હતી. બોટલ વોર શરૂ થતાની સાથે જ કેટલાક કાઉન્સિલરો ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા, જ્યારે કેટલાક કાઉન્સિલરો ટેબલ નીચે છુપાઈ ગયા હતા.
જેઓને ભારે મુશ્કેલીથી શાંત પાડ્યા હતા. જે બાદ વારંવાર કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી અને આ જ કારણ છે કે હજુ સુધી સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી થઈ શકી નથી.