હિન્ડેનબર્ગના અદાણી જૂથના કૌભાડ અને કંપનીના શેરો તેના ફંડામેન્ટલ કરતા ૮૫ ટકા ઊંચા ભાવે મળી રહ્યા છે એવા અહેવાલ બાદ, ફોર્બ્સ દ્વારા જૂથના પ્રમોટર ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણી નાણાકીય હેરફેર કરી રહ્યા હોવાના અહેવાલ આવ્યા હતા. આ પછી વિકિપીડિયામાં અદાણી જૂથ અંગે ઇન્ટરનેટ યુઝરને મળતી માહિતીમાં પણ ચેડાં કરવામાં આવ્યા હોવાના અહેવાલ વચ્ચે બુધવારે પણ અદાણી જૂથની બધી જ લીસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં કડાકો જોવા મળ્યો હતો. બુધવારે અદાણી જૂથમાં રોકાણકારોની સંપત્તિ રૂ. ૫૧,૩૭૬ કરોડનું ધોવાણ થયું હતું અને છેલ્લા ૨૦ દિવસમાં રોજ નવા કૌભાંડની વણઝાર વચ્ચે રોકાણકારોએ રૂ. ૧૧,૬૨,૦૮૭ કરોડ (અંદાજે ૧૫૦ અબજ ડોલર)થી હાથ ધોઈ નાખ્યા છે!
અદાણી જૂથના શેરોમાં કડાકા વચ્ચે આજે બીએસઈ સેન્સેક્સ ૯૨૭ પોઈન્ટ અને નિફ્ટી ૨૭૨ પોઈન્ટ ઘટી ચાર મહિનાની નીચી સપાટીએ બંધ આવ્યા હતા. મોંઘવારી અંકુશમાં નહી રહે, યુક્રેન સામે રશિયા વધુ આક્રમક બનશે અને વ્યાજના દર પણ ધારણા કરતા ઊંચા રહે એવી ગણતરીએ વૈશ્વિક શેરબજારની સાથે ભારતીય શેરબજાર પણ તીવ્રતાથી ઘટયા હતા.