અમેરિકામાં છટણી બાદ હજારો ભારતીય કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. ઘણા લોકો વર્ક વિઝા હેઠળ નિર્ધારિત સમયગાળામાં નવી રોજગાર મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. જો નોકરી ના મળે તો ભારત પરત ફરવું પડી શકે છે. તમને જણાવી દઈએ કે વિશ્વના વિકસિત દેશોમાં મંદીના લક્ષણો દેખાવા લાગ્યા છે. આ મંદી ખાસ કરીને ભારતીય મૂળના IT બિઝનેસ માટે ભારે પડતી જણાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 90 દિવસમાં અમેરિકામાં આઈટી સેક્ટરમાં બે લાખથી વધુ કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. આ છટણીમાં 30થી 40 ટકા એટલે કે લગભગ 60થી 80 હજાર ભારતીય કર્મચારીઓનો સમાવેશ થાય છે.
ગૂગલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોન જેવી મોટી આઈટી કંપનીઓથી લઈને નાના સ્ટાર્ટઅપ સુધીમાં છટણી થઈ છે. જે બેરોજગારોને કંપનીઓમાંથી દૂર કરવામાં આવ્યા છે તેઓ નવી રોજગારી મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે. યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છૂટા કરાયેલા કર્મચારીઓમાં મોટાભાગના ભારતીય આઇટી પ્રોફેશનલ્સ હતા જેઓ H-1B અથવા L1 વિઝા પર યુએસ ગયા હતા.