છુટાછેડાના એક કેસની સુનાવણી દરમિયાન છત્તીસગઢ હાઈકોર્ટે પોતાના એક મહત્વના નિર્ણયમાં કહ્યું કે, પત્ની જો પુરુષોની માફક પાન મસાલા, ગુટખા અને દારુ સાથે નોનવેજ ખાઈને પતિને હેરાન કરે તો, તે ક્રૂરતા છે.
જસ્ટિસ ગૌતમ ભાદુડી અને જસ્ટિસ રાધાકિશન અગ્રવાલની ડબલ બેન્ચે ફેમિલી કોર્ટના આદેશના રદ કરતા પતિ તરફથી દાખલ કરવામાં આવેલી છુટાછેડાની અરજીનો સ્વીકાર કર્યો હતો.
કોરબા જિલ્લાના બાંકીમોંગરામાં રહેતા યુવકા લગ્ન કટધોરાની એક યુવતી સાથે થયા હતા. લગ્નના 7 દિવસ બાદ 26 માર્ચ 2015ની સવારે તેની પત્ની બેડ પર બેભાન થઈને પડી હતી. પતિએ તેની સારવાર કરાવવા માટે ડોક્ટર પાસે લઈ ગયો તો તેને ખબર પડી કે, તેણે દારુ સાથે નોનવેજ ખાધું છે અને તેને ગુટખાનું વ્યસન છે.
જ્યારે આ વાત મહિલાના સાસરિયાવાળાઓને ખબર પડી તો, તેમણે અલગ અલગ રીતે ઘણી વાર સમજાવવાની કોશિશ કરી, પણ તે માની નહીં. ત્યાર બાદ સાસરિયાપક્ષ સાથે તે ખરાબ વ્યવહાર કરવા લાગી.
અરજીમાં કહેવાયું છે કે, મહિલા ગુટખા ખાઈને બેડ પર આમતેમ થુંકી દેતી હતી. જો પતિ આવું કરવાની ના પાડે તો, દરરોજ ઝઘડા કરતી હતી. મહિલાએ 30 ડિસેમ્બરે 2015માં આગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત બે વાર છત પરથી પણ કુદી ગઈ હતી અને એક વાર ઝેરી દવા પણ પી ગઈ હતી. જો કે, દરેક વખતે તે બચી ગઈ હતી.
પત્નીની આવી હરકતોથી કંટાળેલા પતિએ છુટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પણ ફેમિલી કોર્ટે પતિની અરજી ફગાવી દીધી હતી. આ નિર્ણયને પડકાર આપતા પતિએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટની ડબલ બેન્ચે ફેમિલી કોર્ટના આદેશને ફગાવી દીધો અને પતિને છુટાછેડા માટે મંજૂરી આપી દીધી હતી.