ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની ગઈ છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં કોવિડ 19ની સ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તાર અને જિલ્લામાં આરોગ્ય માટેની સગવડ કેવા પ્રકારની છે? એ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.ગત સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાથી વડોદરા આવેલા વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેનો રિપોર્ટ ગાંધીનગર ખાતે જીનોમ સિક્વન્સિગ માટે મોકલવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા આ મહિલાના સંપર્કમાં આવેલા ત્રણ લોકોનો પણ રિપોર્ટ જે તે સમયે કરવામાં આવ્યો હતો અને તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ દર્દીએ હોમ આઇસોલેશનમાં જ સારવાર લીધી હતી અને કોઈપણ પ્રકારની તકલીફ થઈ નહોતી. તેઓનું સેમ્પલ ખાનગી લેબ દ્વારા જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું. જેનું રિઝલ્ટ BF.7 વેરિયન્ટ આવ્યું હતું. જે તે સમય પર ગાઈડલાઇન મુજબ કુલ 3 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું અને આ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. સમગ્ર મામલે મહત્વની બાબત એ છે કે ત્રણ મહિના અગાઉ જ નવો વેરિયન્ટ ગુજરાતમાં આવી ચૂક્યો છે.
કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતની હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઓછી થઈ હતી, ત્યારે અલગ અલગ શહેરના વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યાં હતાં. રાજ્યના આરોગ્યસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે કોવિડ કેર સેન્ટર અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. હાલની તારીખમાં એકપણ કોવિડ કેર સેન્ટર કાર્યરત નથી, પરંતુ દિલ્હીથી જે સૂચના આવશે એ તમામ સૂચનાનું અમલીકરણ કરવામાં આવશે, પરંતુ વ્યવસ્થા તમામ કરવામાં આવી છે અને જે કોવિડ કેર સેન્ટર હતાં એને અત્યારે તાત્કાલિક ધોરણે એલર્ટ પર મૂકી દેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે અત્યારે 33 જિલ્લા પૈકી એકપણ કોવિડ હોસ્પિટલમાં દર્દી દાખલ નથી, જેથી હાલના તબક્કે કોવિડ કેર સેન્ટરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. ઉપરાંત મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન પાઇપલાઇન, ઓક્સિજન પ્લાન્ટ, દવાનો જથ્થો વગેરે એલર્ટ રાખ્યા છે.