શહેરમાં રહેતી એક યુવતીની સગાઇ રાજસ્થાનના એક યુવક સાથે નક્કી થઇ હતી. તે દરમિયાન બંને વચ્ચે શારિરીક સંબંધો બંધાતા લગ્ન પહેલા જ યુવતીને ગર્ભ રહી ગયો હતો. યુવતી બાળક રાખવા માનસિક તૈયાર નહોતી પણ તેના પતિએ બાળક નહિ રાખે તો લગ્ન નહિ કરૂં તેવી ધમકીઓ આપી લગ્ન કરી લીધા હતા. બાદમાં કતાર ખાતે જઇને પણ તેના પતિ એ શગુન બાબતે બોલાચાલી ઝઘડો કરી ત્રાસ આપ્યો હતો. આટલું જ નહિ આરોપી પતિએ તો તેના સસરાને પણ મરાવી નાખવાની ધમકીઓ આપતા યુવતીએ સાસુ અને પતિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મુળ જ્યારે આ યુવતીની સગાઇની વાત ચાલતી હતી ત્યારે બંને પક્ષના માતા-પિતા વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. યુવતીનો પતિ કતાર ખાતે વેપાર કરતો હોવાથી તેણે લગ્ન કરવાની વાત કરી વિઝા પ્રોસેસ માટે કોર્ટ મેરેજ કરી લીધા હતા. લગ્ન પહેલા જ બંને વચ્ચે શારિરીક સંબંધો બંધાતા યુવતીને ગર્ભ રહી ગયો હતો. ત્યારે યુવતીએ નોકરી કરતી હોવાથી તે બાળક રાખવા તૈયાર નથી તેમ કહેતા તેના પતિએ બાળક નહિ રાખે તો સંબંધ નહિ રાખું તેમ કહ્યું હતું. જેથી યુવતીએ તેના માતા પિતાને વાત કરતા તેઓએ આ યુવક સાથે વાત કરતા યુવકે બાળક નહિ રાખો તો ડોક્ટર અને તમને કોર્ટમાં લઇ જઇશ તેવી ધમકી આપી હતી. કોર્ટ મેરેજ કર્યા બાદ યુવતી ગર્ભવતી હોવાથી તેના ચર્ચમાં લગ્ન પણ કરાવ્યા હતા. આ લગ્ન બાદ યુવતી રાજસ્થાન સાસરે ગઇ ત્યારે પતિએ શગુનમાં દાગીના કે પૈસા લાવી નથી તેમ કહી ઝઘડો કર્યો હતો.