121
અફઘાનિસ્તાનના પૂર્વી વિસ્તારમાં રવિવાર મોડી રાતે આવેલા 6.0 તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી છે. તાજા આંકડા અનુસાર, અત્યાર સુધીમાં 800થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 2500થી વધારે લોકો ઘાયલ થયા છે. પ્રભાવિત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય યુદ્ધસ્તર પર ચાલી રહ્યું છે, પણ સ્થિતિ ખૂબ જ ગંભીર છે. અફઘાનિસ્તાનમાં આવી પડેલી આ કટોકટીમાં ભારતે તરત મદદ કરવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે સોમવારે અફઘાનના વિદેશ મંત્રી મૌલવી આમિર ખાન મુત્તાકી સાથે વાત કરી અને વિશ્વાસ અપાવ્યો કે, ભારત આ કપરા સમયમાં અફઘાની જનતા સાથે ઊભું છે.
જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે વાત કરી, ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ભારતે આજે કાબુલમાં 1000 પારિવારિક ટેન્ટ પહોંચાડ્યા છે. ભારતીય મિશન દ્વારા કાબુલમાં કુનાર માટે 15 ટન ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી રહી છે. ભારતમાંથી રાહત સામગ્રી કાલે રવાના થશે. ઘાયલો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. ભારત દરેક સ્થિતિમાં અફઘાનિસ્તાન સાથે ઊભું છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ભૂકંપ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે એક્સ પર લખ્યું કે, અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપથી જાનમાલના નુકસાન પર ઊંડો આઘાત લાગ્યો. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું અને ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. ભારત દરેક શક્ય માનવીય મદદ અને રાહત આપવા માટે તૈયાર છે.
ભૂકંપથી સૌથી વધારે નુકસાન અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંતોમાં થયું છે. કેટલાય ગામડા તબાહ થઈ ગયા છે. મોટી સંખ્યામાં ઘર કાટમાળ થઈ ચૂક્યા છે અને રાહત ટીમો સતત કાટમાળ હટાવી રહી છે. હોસ્પિટલોમાં ઘાયલોની ભીડ છે અને ત્યાં દવાઓ અને મેડિકલ સાધનોની ભારે કમી હોવાનું કહેવાય છે.

