કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪નો પ્રારંભ થયો છે ત્યારે કચ્છના સરહદી લખપત તાલુકાના કોટડા મઢ અને ભાડરા ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રભારી સચિવશ્રી અને આરોગ્ય કમિશનરશ્રી હર્ષદ પટેલે ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. પ્રભારી સચિવશ્રીએ ભૂલકાઓને સ્નેહભેર આવકાર આપીને શૈક્ષણિક કીટની ભેટ સાથે સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો.
શ્રી કોટડા મઢ પ્રાથમિક શાળામાં ૪૫ બાળક-બાલિકાઓ અને ભાડરા પ્રાથમિક શાળામાં ૨૯ બાળક-બાલિકાઓને પ્રવેશ પ્રભારી સચિવશ્રી સહિત મહાનુભાવોએ અપાવ્યો હતો.
આ પ્રસંગે આરોગ્ય કમિશનર અને કચ્છ જિલ્લાના પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલે ગુણવત્તાસભર શિક્ષણ ઉપર ભાર મુકીને જણાવ્યું હતું કે, દુનિયાની સાથે તાલમેલ મેળવવા માટે શિક્ષણની નવી પદ્ધતિઓને અપનાવવી ખૂબ જ જરૂરી છે. રાજ્ય સરકારના પ્રવેશોત્સવ જેવા મહા અભિયાનથી આજે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. બાળકો હોંશે હોંશે ભણવા માટે સ્કૂલે આવે એ પ્રકારની સુવિધાઓ સરકારે ગામડાઓની સરકારી સ્કૂલોમાં ઉપલબ્ધ કરાવી છે. શિક્ષણને જીવન પરિવર્તનનું મુખ્ય માધ્યમ ગણાવીને પ્રભારી સચિવશ્રીએ વાલીઓને અનુરોધ કર્યો હતો કે, તમારા બાળકને ભણવા માટે ઉત્તમ અવસરો પુરો પાડજો. મહિલા શિક્ષણની અગત્યતા સમજાવીને શ્રી પટેલે જણાવ્યું કે, મહિલાઓની દરેક ક્ષેત્રમાં ભાગીદારી વધે તે માટે રાજ્ય સરકાર પુરતા પ્રયત્નો કરી રહી છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ગુજરાતમાં બાલિકાઓ માટે આર્શીવાદરૂપ બનીને ઊભરી આવ્યો છે. વિવિધ સરકારી યોજનાઓ, આર્થિક સહાય અને ટ્રાન્સપોર્ટેશન જેવી સુવિધાઓથી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓની હાજરી સરકારે સુનિશ્ચિત કરી છે.
કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ અને પડકારોનો ઉલ્લેખ કરીને પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારોમાં શૈક્ષણિક ઉત્થાન માટે સરકારશ્રીની સાથે એનજીઓ નોંધનીય પ્રયાસો કરી રહ્યા છે. સ્કૂલમાં શિક્ષા માટેના દાનની વિગતો જાણીને પ્રભારી સચિવશ્રીએ આનંદ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, ગ્રામજનોએ જે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી છે તેના લીધે ગામડાના વિદ્યાર્થીઓ રાજ્યસ્તરે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરવા સક્ષમ બન્યા છે. સરકારના પ્રયાસોથી કચ્છના સરહદી ગામના બાળકો રાજ્યસ્તરની પરિક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે. બાળકો ઉત્સાહથી શાળાએ આવે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવા વાલીઓ અને શિક્ષકોને પ્રભારી સચિવશ્રીએ અનુરોધ કર્યો હતો. આજે શિક્ષણના ક્ષેત્રમાં પગરવ માંડી રહેલા ભૂલકાઓ તેમજ ધોરણ ૯ માં પ્રવેશ મેળવી રહેલા બાળકોને પ્રભારી સચિવશ્રીએ આશીર્વચન આપીને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
ભાડરા ગામની પ્રાથમિક શાળામાં આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત એસ્ટ્રોનોમી લેબનું પ્રભારી સચિવશ્રીએ અનાવરણ કરીને બાળકોને વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે પ્રાયોગિક ધોરણે શિક્ષણ આપવા શિક્ષકોને સૂચન કર્યું હતું. ભાડરા પ્રાથમિક શાળાએ ગુણોત્સવમાં ‘એ’ ગ્રેડ મેળવ્યો હોય શાળાની શૈક્ષણિક કામગીરીને પ્રભારી સચિવશ્રીએ બિરદાવી હતી. પ્રભારી સચિવશ્રીએ બંને ગામની શાળામાં એસ.એમ.સીની બેઠક દરમિયાન ગામમાં શિક્ષણની સ્થિતિ વિશે ખ્યાલ મેળવ્યો હતો અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યશ્રી રાયમા અબ્દ્રેમાન જુમા, નાયબ માહિતી નિયામક મિતેષ મોડાસિયા, આર.સી.એચ.ઓ.શ્રી જે.એ. ખત્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સામંતભાઈ વસરા, બી.આર.સી કોર્ડિનેટર શ્રી જે.ડી. મહેશ્વરી, આશાપુરા ફાઉન્ડેશનના પ્રતિનિધિશ્રી પ્રીતિબેન જાડેજા અને રાયમા અલી બાપા, કોટડા મઢ શાળાના આચાર્ય શ્રી એચ.એન.ભટ્ટી, ભાડરા શાળાના આચાર્યશ્રી હર્ષદભાઈ પંચાલ, ગામના આગેવાન શ્રી વિશનજી દાદા, શ્રી મૂળજીભાઈ સિજુ, શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા, મેડિકલ ઓફિસર માતાના મઢ ડૉ. જાનકી વ્યાસ, આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશનના પ્રતિનિધિ શ્રી દિનેશભાઈ ઓઝા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.