દેશમાં એકતરફ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની ધમધોકાટ તૈયારી ચાલી રહી છે, ટીડીપી અને જેડીયુને કેબિનેટમાં સ્થાન આપવાનું રાજકીય ધમાસાણ પણ ચાલી રહ્યું છે, ત્યારે ઉત્તર પ્રદેશના બંને નાયબ મુખ્યમંત્રીએ યોગી આદિત્યનાથનું ટેન્શન વધાર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે મંત્રીઓની બેઠક બોલાવી હતી. એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં સહયોગી પક્ષો તરફથી આશીષ પટેલ, ઓમ પ્રકાશ રાજભર, સંજય નિષાદ અને અનિલ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. જોકે બંને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય ગેરહાજર રહ્યા હતા. બંને નાયબ મુખ્યમંત્રીઓ ગઈકાલે દિલ્હીમાં હતાં. બ્રજેશ પાઠકે કહ્યું કે, તેઓ આજે ઋષિકેશ જવાના છે. બેઠકમાં મંત્રીમાં સાંસદ બનેલા અનૂપ વાલ્મીકિ અને જિતિન પ્રસાદ પણ હાજર રહ્યા હતા.
