ઉનાળામાં મુસાફરોને સુવિધા આપવા માટે પશ્ચિમ રેલવેએ ગુજરાતથી પશ્ચિમ બંગાળ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન સુરતના ઉધના રેલવે સ્ટેશનથી ઉપડશે અને પછી બિહાર થઈને માલદા ટાઉન જશે. આ ટ્રેનનું સંચાલન 14 મેથી શરૂ થશે. પશ્ચિમ રેલ્વેએ કહ્યું કે આ ટ્રેન 2 જુલાઈ સુધી કાર્યરત રહેશે. રેલવેએ આ ટ્રેન માટે વિશેષ ભાડું નક્કી કર્યું છે. પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે ઉધના અને માલદા ટાઉન વચ્ચે વિશેષ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 03418 માટે બુકિંગ 12 મે, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે.
સુરતના ઉધના રેલવે સ્ટેશનથી શરૂ થનારી આ સમર સ્પેશિયલ ટ્રેન કુલ 16 ટ્રીપ કરશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 03418/03417 ઉધના-માલદા ટાઉન (સાપ્તાહિક) વિશેષ ટ્રેનનું બુકિંગ 12મી મે એટલે કે (રવિવાર)થી શરૂ થશે. આ ટ્રેન નંબર 03418 ઉધના-માલદા ટાઉન સ્પેશિયલ દર મંગળવારે ઉધનાથી 12.30 કલાકે ઉપડશે અને ગુરુવારે 02.55 કલાકે માલદા ટાઉન પહોંચશે. આ ટ્રેન 14 મે થી 02 જુલાઈ 2024 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 03417 માલદા ટાઉન – ઉધના સ્પેશિયલ માલદા ટાઉનથી દર રવિવારે 12.20 કલાકે ઉપડશે અને મંગળવારે 00.45 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 12 મેથી 30 જૂન 2024 સુધી ચાલશે.