‘ચારણી સાહિત્યનું વર્તમાન પરિપ્રેક્ષ્ય અને સંવર્ધન’ વિષય પર કચ્છ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીયકક્ષાના પરિસંવાદનું આયોજન

કેન્દ્રિય પશુપાલન, ડેરી અને મત્સ્યોઉદ્યોગ મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ક્રાંતિગુરૂ શ્યામજીકૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે હમીરજી રત્નુ લોક સાહિત્ય કેન્દ્ર અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાષ્ટ્રીયકક્ષાના ચારણી સાહિત્ય પરિસંવાદમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલાએ કચ્છ યુનિવર્સિટી પરિસરમાં રાજકવિશ્રી હમીરજી રત્નુની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સરકાર તમામ ભાષા અને લોક સાહિત્યનું સમાન રીતે સંવર્ધન થાય તે માટે પ્રયાસ કરી રહી છે. શ્રી રૂપાલાએ ઉમેર્યું કે, દેશમાં અમૃતકાળની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભૌતિક વિકાસની સાથે સાંસ્કૃતિક વિકાસ થાય તે પણ જરૂરી છે. લોકસાહિત્યને જીવનના ધબકાર સમુ ગણાવીને શ્રી રૂપાલાએ કહ્યું કે, જીવન જીવવાની રીત, સંસ્કારોનું સિંચન લોક સાહિત્યમાંથી થાય છે. લોક સાહિત્યના સંવર્ધન માટે પ્રમાણિક પ્રયાસો કરવાનો કેન્દ્રિય મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કચ્છ યુનિવર્સિટી ખાતે કાર્યરત હમીરજી રત્નુ લોકસાહિત્ય કેન્દ્નના પ્રયાસોને શ્રી રૂપાલાએ બિરદાવ્યા હતા. શ્રી રૂપાલાએ વધુમાં ઉમેર્યું કે, આ કેન્દ્રના માધ્યમથી હમીરજી રત્નુના જીવન સહિત તેમના દ્વારા રચાયેલા લોક સાહિત્યના સંવર્ધન માટે નવી દિશાઓ ખુલી છે. મંચ પરથી શ્રી રૂપાલાએ શ્રી શંભુદાન ઈશરદાન ગઢવી મેમોરિયલ ટસ્ટ્ર, ભુજ અને શ્રી શિવશક્તિ સ્ટડી સેન્ટરની કામગીરીની પ્રસંશા કરી હતી.
કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદ ચાવડાએ આ ચારણી સાહિત્ય પરિસંવાદને ત્રિવેણી સંગમ સમાન ગણાવ્યો હતો. હમીરજી રત્નુ લોક સાહિત્ય કેન્દ્રની સાહિત્ય સંવર્ધનની કામગીરી સહિતની પ્રવૃત્તિઓને શ્રી ચાવડાએ આવકારી હતી.
રાજસ્થાનના પૂર્વ સાંસદશ્રી ઓમકારસિંહ લાખાવત અને પદ્મશ્રી ડૉ. સી.પી. દેવલે પરિસંવાદના વિષયને અનુરૂપ રાજકવિશ્રી હમીરજી રત્નુના જીવન, તેમની રચનાઓ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. હમીરજી રત્નુ લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડૉ. કાશ્મીરા મહેતાએ સંસ્થાના કાર્યો વિશે સૌને માહિતગાર કરીને આવકાર આપ્યો હતો.
કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલા સહિત મહાનુભાવોએ ‘ચારણી સાહિત્યનું વર્તમાન પરિપ્રેક્ષ્ય અને સંવર્ધન’ બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં સહભાગી થઈને કચ્છી વાર્તાઓ, સોવેનિયર સહિત કુલ ત્રણ પુસ્તકનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, પૂર્વ સાંસદશ્રી પુષ્પદાન ગઢવી, પૂર્વ રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિર, કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી જી.એમ.બુટાણી, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી હરેશ ઠક્કર સહિત ચારણી સાહિત્યકારો, સંશોધકો, કચ્છ યુનિવર્સિટીનો સ્ટાફ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજ ફાયર સ્ટેશન આધુનિક વોટર રેસ્ક્યૂના સાધનથી વધુ સક્ષમ બન્યું, રેસ્ક્યુ ક્રાફ્ટ રિમોટથી ઓપરેટ થશે

ભુજ ફાયર સ્ટેશન આધુનિક વોટર રેસ્ક્યૂના સાધનથી વધુ સક્ષમ બન્યું, રેસ્ક્યુ ક્રાફ્ટ રિમોટથી ઓપરેટ થશેફાયર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »