રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે.

વધુમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે.

વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે.

આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

About JAYENDRA UPADHYAY

Check Also

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »