કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે બિપરજોય ચક્રવાતથી અસરગ્રસ્ત કચ્છના તાલુકાઓમાં ખેડૂતોની મુલાકાત લઈને નુકસાનીનો તાગ મેળવ્યો

રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે બિપરજોય વાવાઝોડા બાદ ખેતી,પશુપાલકો તેમજ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે કચ્છમાં થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે આજરોજ અસરગ્રસ્ત તાલુકામાં ખેડૂતો તથા પશુપાલકોની મુલાકાત લીધી હતી.
ચક્રવાતના કારણે કચ્છમાં ખેતી તેમજ બાગાયતી પાકોમાં અને મત્સ્ય ઉદ્યોગમાં નુકસાન ઉપરાંત પશુમૃત્યુ પણ નોંધાયા છે આ કુદરતી આફતના કારણે બાગાયતી પાક લેતા ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને થયેલા આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આજરોજ નખત્રાણા, માંડવી, મુન્દ્રા તથા અંજાર તાલુકામા બાગાયતી પાક લેતા ખેડૂતો તેમજ પશુપાલકોને મળ્યા હતા. મંત્રીશ્રીએ ખેડૂતો તેમજ પશુપાલકો સાથે સીધો સંવાદ કરીને તેમને સરકાર દ્વારા યોગ્ય વળતર આપવાની ખાતરી સાથે નુકસાનગ્રસ્ત વધુમાં વધુ વૃક્ષો- છોડને પુનર્જીવત કરવા માટે પણ સરકાર પ્રયાસ કરશે એવું જણાવ્યું હતું. તેમજ કચ્છની ખેતી તેમજ પશુપાલકોને થયેલ નુકસાનીનો ચિતાર મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરીને ખેડૂતોને વધુમાં વધુ સહાય અપાય તેવા પ્રયાસો કરાશે તેવી ખાતરી આપી હતી.

આજરોજ મંત્રીશ્રીએ પ્રથમ નખત્રાણા તાલુકાના વેરસલપર ગામના રવિલાલ તેમજ સુરેશભાઇ વાલાણીના વાડીની મુલાકાત લઈને આંબાના ઝાડને થયેલા નુકસાનનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ આ પ્રસંગે મંત્રીશ્રીએ બાગાયતી પાકોમાં થયેલા નુકસાનમાં પડી ગયેલા ઝાડોને ફરી થી સજીવન કરી શકાય એમ હોય તેવા કિસ્સામાં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તેમજ ખેડૂતોને થયેલી નુકસાનીનો યોગ્ય સર્વે કરીને પૂરતું વળતર આપવામાં આવશે એવી ખાતરી ઉચ્ચારી હતી. વેરસલપર ખાતે તાલુકાના ખેડૂતો સાથે મંત્રીશ્રીએ સીધો સંવાદ કરીને આ કપરી પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની પડખે હોવાની હૈયાધારણા આપી હતી તથા ખેડૂતોના પ્રશ્નોને સાંભળ્યા હતા.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સીધા મોનિટરિંગ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આગોતરા આયોજન થકી ચક્રવાતમાં નજીવું નુકશાન થયું છે. ચક્રવાત બાદ જનજીવન પુનઃધબકતું કરવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે પશુમૃત્યુના કેસમાં પાંચ પશુપાલકોને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ ખેડૂતોને થયેલા નુકસાનનો ચિતાર આપ્યો હતો.
મંત્રીશ્રીએ ત્યારબાદ માંડવી તાલુકાના ગઢશીશાના વરઝડી વિસ્તારમાં વિશનજી પ્રેમજી ભગતની વાડીની મુલાકાત લઈને પડી ગયેલા આંબાના ઝાડને પુનર્જીવિત કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું . આણંદ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો દ્વારા આંબાના ઝાડને કઈ રીતે પુનઃ સજીવન કરી શકાય તે અંગેની પદ્ધતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું . તેમજ આ અંગેની સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી મંત્રીશ્રીને આપવામાં આવી હતી.
મંત્રીશ્રીએ મઉ ખાતે ખેડૂત બટુકસિંહ જાડેજાની વાડીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પશુપાલકોની મુલાકાત લઈને પાંચ પશુપાલકોને પ્રતિકાત્મક સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કેબિનેટ મંત્રીશ્રીએ મુન્દ્રા તાલુકાના ભુજપુર વાડી વિસ્તારમાં ખેડૂતો ખેંગુભા રવુભા જાડેજા તથા વિશ્રામભાઇ ગઢવીની વાડીની મુલાકાત લઈને તાલુકામાં ખારેકના તેમજ આંબાના પડી ગયેલા ઝાડની નુકસાનીની માહિતી મેળવી હતી. તેમજ વહેલી તકે ખેડૂતોને કઈ રીતે મદદરૂપ બની શકાય તે અંગે ખેડૂતોની રજૂઆતોને જાણી હતી. આ તકે મુન્દ્રા તાલુકાના પાંચ પશુપાલકોને પ્રતિકાત્મક સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભુજપુર ખાતે મંત્રીશ્રીએ મુન્દ્રા તાલુકાના ખેડૂતો સાથે બેઠક કરી હતી જેમાં ખાસ કરીને આ વિસ્તારમાં ખારેકના ઝાડને થયેલા નુકસાન અંગેની જાણકારી મેળવી હતી, તેમજ પડી ગયેલા ખારેકના ઝાડોનો વહેલામાં વહેલી તકે કઈ રીતે નિકાલ કરી શકાય તેમજ ખેડૂતોને ઝડપથી બેઠા કરવા શું કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી. બેઠકમાં પાંજરાપોળને થયેલા નુકસાન અંગે પણ સંચાલકોએ રજૂઆત કરી હતી. આ સાથે ખેડૂતોએ ખારેકના મધર પ્લાન્ટના ટીશ્યુ રોપા વહેલામાં વહેલી તકે ખેડૂતોને મળી રહે તો તે ઝડપથી બેઠા થઈ શકે અને આ કામગીરીમાં સરકાર સહયોગ આપે તે અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત વહેલી તકે ખેતીક્ષેત્રમાં વીજ પુરવઠો ચાલુ કરવામાં આવે તે અંગે પણ ઉપસ્થિત કિસાનોએ માંગણી કરી હતી.
બેઠકમાં મંત્રીશ્રીએ ખેડૂતોને ધરપત આપતા જણાવ્યું હતું કે, સમગ્ર તારાજીનો તેઓએ રૂબરૂ ચિતાર મેળવ્યો છે ત્યારે કચ્છના બાગાયતી પાકોને થયેલા નુકસાન અંગેનો અહેવાલ તેઓ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂ કરશે અને ખેડૂતોને વધુમાં વધુ સહાય મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે. તેમણે ખેડૂતોની ખમીરીને બિરદાવતા આ કપરી પરિસ્થિતિમાં ધીરજ જાળવી સરકારના પ્રયત્નોમાં સહયોગ આપવા રાખવા માટે અપીલ કરી હતી. ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ખેડૂતોને રાજ્ય સરકાર તમામ પ્રકારે સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી.
અંજાર તાલુકાના ખેડોઈના ખેડૂત પ્રદ્યુમનસિંહ જાડેજાના વાડીની મુલાકાત લેતા કેબિનેટમંત્રીશ્રીએ અંજાર વિસ્તારમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની વિગતો મેળવીને રાજ્ય સરકાર તમામ પ્રકારે કિસાનોને સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી. તેમણે આ તકે જણાવ્યું હતું કે, ખેતી તેમજ પશુપાલન ક્ષેત્રના જાત નિરીક્ષણ સાથે આજરોજ મત્સ્યઉદ્યોગ વિભાગના નિયામકશ્રી દ્વારા અસરગ્રસ્ત જખૌ દરિયાઈ કાંઠાના માછીમારોની મુલાકાત લેવામાં આવી છે ત્યારે તેમને થયેલી નુકસાનીનું ચિત્ર પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરાશે અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. આ ટાંકણે મંત્રીશ્રીના હસ્તે મકાન સહાય તેમજ મૃત પશુસહાયના પ્રતિકાત્મક ચેક ગ્રસ્તોને આપવામાં આવ્યા હતા. આ આ મુલાકાત સમયે ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રીની સાથે જાત નિરીક્ષણમાં પશુપાલન વિભાગના નિયામકશ્રી ફાલ્ગુનીબેન ઠાકર ,બાગાયત વિભાગના નિયામકશ્રી પી.એમ. બગાસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે પ્રજાપતિ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી ઓ, કચ્છ પશુપાલન વિભાગ તેમજ બાગાયત વિભાગના અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીઓ જોડાયા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?