ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની સંભાવના છે. હાલ આકરી ગરમીનો સામનો કરી રહેલ પૂર્વ અને ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું કે, જૂનના અંત અને જુલાઈની શરૂઆત સુધી સારો અને નિયમિત વરસાદ પડવાની શક્યતા છે, જેના કારણે ભારતના પશ્ચિમ, મધ્ય અને પૂર્વ કિનારે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. IMDના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર 18 જૂનથી 21 જૂન સુધી પૂર્વ અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ચોમાસુ આગળ વધવાની સ્થિતિ જોવા મળી રહી છે.
20 જૂનથી મધ્ય અને પૂર્વ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં વરસાદ પડશે. ખાનગી આગાહી એજન્સી સ્કાયમેટ વેધરના વાઈસ પ્રેસિડેન્ટ (હવામાનશાસ્ત્ર અને આબોહવા પરિવર્તન) મહેશ પલાવતે જણાવ્યું કે, તે ચોમાસાના પવનોને ખેંચશે અને ચોમાસાને પૂર્વ ભારતમાં આગળ વધારવામાં મદદ કરશે.
કેરળમાં 8મી જૂને ચોમાસાની એન્ટ્રી થવાની હતી, જે સામાન્ય કરતાં એક અઠવાડીયું મોડું આવવાનું હતું. કેટલાક હવામાનશાસ્ત્રીઓના મતે વાવાઝોડાના કારણે ચોમાસું મોડું આવ્યું છે અને હળવા ચોમાસાનું આગમન થયું.