કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારના લોકોને નજીકના શેલ્ટર હોમ્સમાં ખસેડીને સરકારી તંત્રએ ઝીરો કેઝ્યુઆલટી, મીનિમમ લોસના અભિગમ સાથે આપદામાંથી ઉગારી લીધા છે. શેલ્ટર હોમ્સ ખાતે આરોગ્ય અન્ય જરૂરી વ્યવસ્થાઓ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી હતી પણ તેની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ અને એનજીઓએ ફૂડ પેકેટની વ્યવસ્થા કરીને અનેરો સહકાર આપ્યો હતો. વાવાઝોડા પૂર્વે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલી બેઠકમાં સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓએ સરકારને જરૂરી એવી તમામ કામગીરીમાં સહકાર આપવા બાંહેધરી આપી હતી. લાખો ફૂડ પેકેટ બનાવી સરકારને આપીને સેવાભાવી સંસ્થાએ કપરા સમયમાં પોતાની ફરજ અદા કરી છે.
વાવાઝોડા દરમિયાન અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અગ્રવાલ સમાજ ગાંધીધામ, વ્યવસાયિક એસોસિએશન મુન્દ્રા, માં ગૌશાળા-નરા, નારાયણ સરોવર અન્નક્ષેત્ર, સ્વામિનારાયણ મંદિર ભુજ, ગુરુદ્વારા મુન્દ્રા, લખપત તથા ગાંધીધામ, સમસ્ત બ્રહ્મ સમાજ- ગાંધીધામ, રોટરી કલબ ભુજ, વેપારી મંડળ-ગાંધીધામ, માતાના મઢ જાગીર ટ્રસ્ટ, ટ્રક એસોશીએસન-કચ્છ, ઉમિયા માતાજી ધામ-વાંઢાય, ગ્લોબલ વિકાસ ટ્રસ્ટ, ત્રિમંદિર-ભુજ, માનવજ્યોત-ભુજ, ઓધવરામ સત્સંગ મંડળ-અબડાસા, સુપાર્શ્વ જૈન સંસ્થા, હિંદુ યુવા સંગઠન- માંડવી, અલ્ટ્રાટેક સિમેન્ટ, સાંઘી સિમેન્ટ, જખૌ સોલ્ટ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ચેમ્બર ઓફ કોમર્સ-ગાંધીધામ, ભાનુશાળી સમાજ-નલિયા, આશાપુરા ટ્રસ્ટ-મુન્દ્રા, પરમાર્થ સેવા-લખપત, પારલેજી કંપની જેવી નામી-અનામી ઘણી સંસ્થાઓએ અસરગ્રસ્ત તાલુકાઓમાં ફૂડ પેકેટ તેમજ તે વિસ્તારોમાં જમવાની વ્યવસ્થા તેમજ માનવબળ પૂરું પાડવા સહયોગ જિલ્લા વહીવટીતંત્રને સહયોગ આપ્યો હતો.
તાલુકાવાર વિતરણ થયેલા ફૂડ પેકેટની વિતરણની વિગતો ઉપર નજર કરીએ તો મુન્દ્રામાં ૭૫૦૦, માંડવીમાં ૩૪૪૦૦, અંજારમાં ૧૨૦૦૦, ગાંધીધામમાં ૧૦૦૦૦, અબડાસામાં ૨૬૩૬૭, લખપતમાં ૩૧૯૪૦, ભચાઉમાં ૧૭૦૦નો સમાવેશ થાય છે. આમ, કુલ ૧,૨૩,૯૦૭ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અસરગ્રસ્ત તાલુકાઓમાં શેલ્ટર હોમમાં પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા શક્ય હોય ત્યાં જમવાનું બનાવી લોકો સુધી પહોચાડવામાં આવ્યું હતું. તા.૧૬ જૂનના રોજ અક્ષયપાત્ર ફાઉન્ડેશન-ભુજ પાસેથી અબડાસા તેમજ લખપત તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારમાં ૫૦૦૦ લોકોને જમવા માટેની વ્યવસ્થા કરી ટિફિન પહોચાડવામાં આવ્યા હતા. આમ સેવાભાવી સંસ્થાઓ બિપરજોય વાવાઝોડાના સંકટ સમયે પોતાની ફરજ નિભાવીને વહીવટીતંત્રના સંકલનમાં રહીને કામગીરી કરી હતી. આ ઉપરાંત, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેવાભાવી સંસ્થાઓ સાથે યોગ્ય રીતે સંકલન થઈ શકે અને ફૂડ પેકેટનું આયોજનબદ્ધ રીતે વિતરણ થઈ શકે તે માટે નોડલ અધિકારીશ્રી તરીકે પશ્ચિમ કચ્છ નાયબ વન સંરક્ષકશ્રી યુવરાજસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી.