બિહારમાં જાતીય વસ્તી ગણતરી દરમ્યાન જાણવા મળ્યું છે કે, અરવલ જિલ્લામાં 40 મહિલાઓનો પતિ એક જ શખ્સ છે. તેનું નામ રુપચંદ છે. વસ્તી ગણતરી કરી રહેલા અધિકારી પણ આ દરમ્યાન ચોંકી ગયા હતા. નીતિશ સરકાર તરફથી કરાવવામાં આવેલા જાતીય વસ્તી ગણતરી દરમ્યાન મહિલાઓને તેમના પતિનું નામ પુછવામાં આવ્યું હતું. તેના પર આજૂબાજૂમાં રહેતી 40 મહિલાઓએ પતિનું નામ રુપચંદ હોવાનું જણાવ્યું હતું. તો વળી અમુક મહિલાઓએ પોતાના પિતા અને દીકરો પણ ગણાવ્યો હતો.
મામલો નગર પરિષદ ક્ષેત્રના વોર્ડ નંબર-7નો છે. અહીં રેડ લાઈટ એરિયો છે. આ વિસ્તારમાં વર્ષોથી સેક્સ વર્કર રહે છે અને પોતાનું જીવન વ્યતિત કરે છે. જાતીય વસ્તી ગણતરી દરમ્યાન સરકારી કર્મચારી ઘરે ઘરે જઈને લોકોની જાણકારી એકઠી કરી રહી છે. આ દરમ્યાન આ ચોંકાવનારો કિસ્સો રેડ લાઈટ એરિયામાંથી સામે આવ્યો છે. અહીં 40 મહિલાઓએ પોતાના પતિનું નામ રુપચંદ હોવાનું જણાવ્યું છે. તો વળી અમુક મહિલાઓએ પિતા અને પુત્ર તરીકે રુપચંદનું નામ લીધું છે.
અરવલ રેડ લાઈટ એરિયાની સેક્સ વર્કરની સામે સૌથી મોટી સમસ્યા એ છે કે, તે પોતાના પતિ તરીકે કોનું નામ નોંધાવે? અહીં રહેતી મોટા ભાગની મહિલાઓ રુપચંદ એટલે રૂપિયાને જ પોતાનું બધું માને છે. એટલા માટે તેમણે પોતાના પતિના નામની આગળ રુપચંદ નામ નોંધાવે છે, કોઈએ પિતાનું નામના કોલમની આગળ રુપચંદ લખાવ્યું છે.