કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ‘મોદી અટક’ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં સુરત સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા છે. સુરતની કોર્ટે તેમને 2 વર્ષની સજા ફટકારી છે. જોકે, રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં જામીન પણ મળી ગયા છે. મહત્વનું છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે, ‘બધા ચોરની અટક મોદી કેમ હોય છે?’ ગુજરાત મોઢ વણિક સમાજના નેતા, ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ફોજદારી માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલ ગાંધીએ પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. તેમની ફરિયાદ પર સુરત શહેરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માનીની કોર્ટમાં લાંબી સુનાવણી ચાલી. ગત શુક્રવારે આ મામલે છેલ્લી સુનાવણી બાદ કોર્ટે નિર્ણય માટે 23 માર્ચની તારીખ નક્કી કરી હતી.