દેશમાં હાલમાં XBB 1.16 વેરિએન્ટથી કોરોના કેસ વધી રહ્યાં છે. 6 રાજ્યોમાં કેસમાં આવી રહેલા ઉછાળાની વચ્ચે પીએમ મોદીએ બુધવારે મોટી હાઈ લેવલ બેઠક કરી હતી અને દેશમાં કોરોનાની સ્થિતિ અને હોસ્પિટલોની તૈયારીને લઈને અધિકારીઓ-મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને જરુરી આદેશ આપ્યાં હતા.
બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ગૃહ સચિવ, પીએમઓના ઉચ્ચ અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવિણ પવાર, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, આઈસીએમઆર અને નીતિ આયોગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 1134 કેસ
ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 1134 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,98,118 થઈ ગઈ છે. ત્યારે ભારતમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 7026 થઈ ગઈ છે. આજે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે એક-એક દર્દીના મોત બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,813 થઈ ગયો છે. મંત્રાલય દ્વારા આપવામાં આવેલ નવીનતમ માહિતી અનુસાર, ભારતમાં ચેપનો દૈનિક દર 1.09 ટકા છે અને સાપ્તાહિક દર 0.98 ટકા છે.
છ રાજ્યોમાં વધી રહ્યાં છે કોરોના કેસ
હાલમાં દેશમાં છ રાજ્યો દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને કેરળમાં કોરોના કેસ વધી રહ્યાં છે. હાલમાં વરસાદી માહોલ હોવાથી લોકો જલદી બીમારી પડી રહ્યાં છે.