વડોદરા ગ્રાહક સુરક્ષા કોર્ટે મહત્વનું તારણ કાઢ્યુ હતું કે જરૃરી નથી દર્દી ૨૪ કલાકથી વધુ સમય દાખલ થયો હોય તો જ મેડિક્લેમ માટે હકદાર છે. હોસ્પિટલમાં કેટલો સમય દાખલ થવુ તે ડોક્ટરનો વિષય છે, નહી કે વીમા કંપનીઓનો.
કેસ ગોત્રી વિસ્તારના રમેશચંદ્ર જોષીનો હતો. તેઓએ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મેડિક્લેમ લીધો હતો. દરમિયાન છ વર્ષ પહેલા તેમના પત્ની બીમાર થતા અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર બાદ બીજા દિવસે રજા આપી દેવામા આવી હતી. આ સારવાર પેટે રૃ.૪૪,૪૬૮નો ખર્ચ થયો હતો એટલે રમેશચંદ્ર જોષીએ નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેડિક્લેમ માટે અરજી કરી હતી ત્યારે કંપનીએ એમ કહીને અરજી નકારી દીધી હતી કે કંપનીનો નિયમ છે કે દર્દી ૨૪ કલાક કરતા વધુ સમય હોસ્પિટલમાં દાખલ હોય તો જ ક્લેમ મળવાપાત્ર છે.
આ કેસ ગ્રાહક સુરક્ષા કોર્ટ સમક્ષ આવતા કોર્ટે વીમા કંપનીને કહ્યું હતું કે ‘વીમા કંપની એવા આધાર પર દાવો નકારી શકે નહી કે દર્દીને ૨૪ કલાકથી વધુ સમય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નહતા. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો જરૃરી છે કે નહી તે દર્દીની સ્થિતિના આધારે માત્ર ડોક્ટર જ નિર્ણય લઇ શકે છે વીમા કંપની નહી. આધુનિક મેડિકલ ટેકનોલોજી અને એડવન્સ દવાઓના કારણે ઘણી વખત દર્દીને દાખલ કર્યા વગર જ સારવાર આપવામા આવે છે. માટે વીમા કંપનીએ ક્લેમની રકમ રૃ.૪૪,૪૬૮ દાવો નકાર્યો તે તારીખથી આજ સુધી ૯ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવી અને માનસિક વેદનાના રૃ.૩ હજાર તથા કાનુની ખર્ચ પેટે રૃ.૨૦૦૦ પણ ચૂકવી દેવા.